દાણીલીમડામાં યુવકના શંકાસ્પદ મોત અંગેની તપાસમાં હત્યા થયાનો ખુલાસો
દાણીલીમડામાં યુવકના શકમંદ મોતનો મામલો
પિતાએ પુત્રના હત્યાની આશંકા વ્યક્ત કરતા ક્રાઇમબ્રાંચે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી હતી
અમદાવાદ,રવિવાર
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતો એક યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનો દ્વારા તેની દફનવિધી કરવામાં આવી હતી. પરંતુ, તેના પિતાના મોત અંગે શંકા જતા તેમણે ક્રાઇમબ્રાંચને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી અંગે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે યુવકને અન્ય કોઇ વ્યક્તિએ માર મારતા બેભાન થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના શાહઆલમમાં રહેતા ૨૪ વર્ષીય અલ્લારખાં અબ્દુલરશિદ અબ્દાલ નામનો યુવક ગત ૧૫મી જુનના રોજ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ, સારવાર માટે આવેલા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને તેેના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ વિના જ તેની દફનવિધી કરી દેવામાં આવી હતી. પરંતુ, મૃતકના પિતાને શંકા હતી કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. જે અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના ડીસીપી અજિત રાયજનને જાણ કરવામાં આવતા તેમણે સમગ્ર કેસ અંગે તપાસ કરવા માટે સુચના આપી હતી.
જે અનુસંધાનમાં પોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફુટેજના તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોહંમદ શાહરૂખ ઉર્ફ કેસર સાથે મારામારી થઇ હતી. જેમાં તેણે અલ્લારખાને માર માર્યો હતો અને તે બેભાન થતા મોતને ભેટયો હતો. જે અનુસંધાનમાં દાણીલીમડા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવા માટે તજવીજ શરૂ કરવાની સાથે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.