રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે યુવકને ઝડપી લેવાયો
સોશિયલ મિડીયા દ્વારા ફેક કરન્સીનો કારોબાર
ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કરીને નોઇડાથી કુરીયર દ્વારા બનાવટી ચલણી નોટો મંગાવી હતીઃ દેશ વ્યાપી કૌભાંડની શક્યતા
અમદાવાદ,શનિવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચે શહેરના કોતરપુર વિસ્તારમાંથી એક યુવકને રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટોના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક યુવકની આઇડી પર સંપર્ક કરીને બનાવટી ચલણી નોટો કુરીયરથી મંગાવી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.
ક્રાઇમબ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી કે નાના ચિલોડામાં રહેતો અમન શર્મા નામનો યુવક બનાવટી ચલણી નોટો સાથે તેના ઘર પાસે છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે કે મકવાણાએ સ્ટાફ સાથે વોચ ગોઠવીને અમન શર્માને ઝડપીને તેની પાસેથી રૂપિયા ૧૦૦ના દરની ૩૭૩ જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી હતી.
આ અંગે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ઇન્સ્ટાગ્રામથી એક યુવકનો સંપર્ક કરીને તેની સાથે વાતચીત કરીને નોઇડાથી બનાવટી ચલણી નોટો મંગાવી હતી અને તે આ નાણાં તહેવારમાં માર્કેટમાં ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉપયોગ કરવાનો હતો. આ અંગે પોલીસે દેશ વ્યાપી કૌભાંડની આશંકાને પગલે તપાસ શરૂ કરી છે.