દુબઇમાં રહેતા વ્યક્તિએ યુવાનોના એકાઉન્ટમાં કાળા નાણાં ટ્રાન્સફર કર્યા
યુવાનોને દુબઇ થઇને યુ. કેમાં વર્ક વિઝાની લાલચ આપી
અમદાવાદ ક્રાઇમબ્રાંચે ગુનો નોંધી તપાસ શરૂ કરીઃ દેશના વિવિધ રાજ્યોમાં પણ ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરાયાનું સામે આવ્યું
અમદાવાદ,રવિવાર
યુવાનોને માત્ર પાંચ લાખમાં યુ.કે તેમજ યુરોપીયન દેશોમાં નોકરી અપાવવાનું કહીને દુબઇમાં રહેતા એક વ્યક્તિએ મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરવાની સાથે યુવાનોના બેંક એકાઉન્ટમાં બેલેન્સ કરી આપવાનું કહીને તેમાં કરોડો રૂપિયાના કાળા નાણાંનો આર્થિક વ્યવહાર કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઓઢવમાં આવેલી પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા જીજ્ઞોશ શાહે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે જીજ્ઞોશ અને તેના મિત્રોને યુ.કે અથવા યુરોપીયન દેશોમાં વર્ક વિઝા પર જવાનું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે હાલ દુબઇમાં રહેતો અને મુળ અમદાવાદનો મહેશ પ્રજાપતિ ઓછા નાણાંમાં યુ. કે મોકલી આપે છે. જેથી જીજ્ઞોશ તેમજ તેમના મિત્રોએ મહેશ સાથે ફોન પર વાત કરી હતી. તેણે પ્રતિ વ્યક્તિ માત્ર પાંચ લાખ રૂપિયા લઇને યુ.કે ની વર્ક પરમીટ અપાવવાની ખાતરી આપી હતી. આ માટે એડવાન્સમાં ૫૦ હજાર જમા કરાવવાનું કહ્યું હતું. પરંતુ, વર્ક પરમીટની પ્રક્રિયા માટે પહેલા દુબઇમાં છ મહિનાથી એક વર્ષ કામ કરવા અને ત્યાંથી આવતા પગારમાંથી ચોક્કસ નાણાં કાપીને તે યુ. કે મોકલી આપશે. જેથી જીજ્ઞોશ અને તેના મિત્રો સહિત કુલ ૨૭ જેટલા લોકોએ આશરે ૨૨ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં તે પૈકી કેટલાંક યુવકોને તેણે દુબઇના વીઝા કરાવીને બોલાવ્યા હતા.
બીજી તરફ યુ.કેના વિઝા માટે બેંક એકાઉન્ટમાં ૨૦ લાખ રૂપિયાનું બેલેન્સ બતાવવાનું હતું પરતુ જીજ્ઞોશ પાસે નાણાં ન હોવાથી મહેશે તેને ખાતરી આપી હતી કે તે બેક બેલેન્સ બતાવી આપશે. આ માટે એક ટકા વ્યાજની માંગણી કરી હતી. જેથી વિશ્વાસ કરીને જીજ્ઞોશે તેમના પરિવારજનોના બે બેંક એકાઉન્ટ નંબરની વિગતો આપી હતી. જેમાં મહેશે ૨૦ લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. જે ઉપાડીને મહેશના કહેવા પ્રમાણે ઉપાડીને બાપુનગરમાં આવેલા પી.આંગડિયા નામની પેઢીમાં જમા કરાવ્યા હતા. આ રીતે મહેશે કુલ ચાર કરોડની રકમ અલગ અલગ યુવાનોના બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી. અને એક કરોડની રકમ રોકડમાં એક વ્યક્તિને ચુકવી હતી.
મહેશે જે લોકોને દુબઇ બોલાવ્યા હતા. તેમને તેણે કહેવા પ્રમાણે નોકરી આપી નહોતી. જેથી કેટલાંક યુવાનો પરત આવી ગયા હતા. બાદમાં વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા જાણવા મળ્યું હતું કે મહેશે યુ. કે વિઝાના નામે યુવાનોના બેંક એકાઉન્ટ નંબર મેળવીને તેમાં બિન હિસાબી નાણાં જમા કરાવીને તેને રોકડમાં લઇ લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહેશ પ્રજાપતિ દુબઇના ગોલ્ડન વિઝા ધરાવે છે અને તે ૨૦૨૧થી દુબઇમાં સ્થાયી થયો છે. તેણે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર અને ભાવનગર તેમજ રાજસ્થાન, દિલ્હી , મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી કાળા નાણાની હેરફેર કરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.