નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો
આરોપી વિદ્યાર્થી હથિયાર રાખતો હોવાની જાણ તેના પરિવારજનોને પણ હતીઃ પોલીસ તપાસમાં વધુ વિગતો મળી
અમદાવાદ,રવિવાર
ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીની હત્યા મામલે ક્રાઇમબ્રાંચ દ્વારા સીસીટીવી ફુટેજ તેમજ અન્ય પુરાવા તપાસવાની કામગીરી આરભી છે. બીજી તરફ એવી વિગતો જાણવા મળી હતી કે નિર્દોષની હત્યા કરનાર વિદ્યાર્થી તેની પાસે હથિયાર રાખતો હોવાની જાણ તેના પરિવારજનોને પણ હતી. ત્યારે વાલીઓની બેદરકારી પણ ઘણેઅંશે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા નયન સતાણીની હત્યામાં સંડોવાયેલા બે વિદ્યાર્થીઓ શાહઆલમ વિસ્તારમાં રહેતા હતા અને બંને પિતરાઇ ભાઇ હતા. બંનેના પિતા વ્યવસાય કરે છે. નયન પર ઘાતકી હુમલો કરનાર વિદ્યાર્થી અગાઉ અન્ય શાળામાં અભ્યાસ કરતો હતો અને પાંચ મહિના પહેલા જ તેને સેવન્થ ડે સ્કૂલમાં એડમીશન લીધુ હતું. પોલીસે જ્યારે તેના વર્તન અંગે માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું હતું કે તે શરૂઆતથી ઉગ્ર સ્વભાવ ધરાવતો હતો. જેના કારણે શિક્ષકો સાથે પણ ગેરવર્તન કરવાની સાથે વિદ્યાર્થીઓમાં ભય રહે તેવું વર્તન કરતો હતો. તેની ફરિયાદ આચાર્ય અને સ્કૂલના સંચાલક સુધી પહોંચી હતી. જે બાબતે તે વિદ્યાર્થીના વાલીને પણ જાણ કરવામાં આવી હતી. એટલું જ તે હથિયાર સાથે લાવતો હોવાની વાત અંગે વાકેફ કરાયા હતા. તેમ છતાંય, વાલીઓએ દ્વારા પણ તેને સમજાવવામાં આવ્યો નહોતો. સાથેસાથે પોલીસને એવી પણ વિગતો મળી છે તે આરોપી વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ અનેકવાર દાદાગીરી કરી હતી. ક્રાઇમબ્રાંચે બંને સગીર વિદ્યાર્થીઓના પરિવારજનો અને તેમને સ્કૂલ વાનમાં મુકવા લેવા જતા ડ્રાઇવરના પણ નિવેદન નોંધ્યા છે.