૮૮ વર્ષના ડૉક્ટરને ડીજીટલ એરેસ્ટ કરીને રૂપિયા આઠ કરોડ પડાવી લેવાયા
ક્રાઇમબ્રાંચે ટેકનીકલ એનાલીસીસના આધારે ત્રણ આરોપીઓને ઝડપી લીધા
દિલ્હીથી ઇડીની ટીમ મોકલીને ધરપકડ કરવાના બદલે ડીજીટલ એરેસ્ટ કરીને પાલડીમાં રહેતા ડૉક્ટરના શેર વેચાણ કરાવીને નાણાં ટ્રાન્સફર કરાવ્યા
અમદાવાદ,ગુરૂવાર
સીબીઆઇ, ઇડી અને અન્ય એજન્સીના નામે કોલ કરીને ગુનો નોંધાયો હોવાનું કહીને નાણાં પડાવી લેવાના બનાવોને કાબુમાં લેવા માટે સાયબર ક્રાઇમ દ્વારા જાગૃતતા ફેલાવવા માટે અનેક પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાંય, હજુપણ ઘણા લોકો આસાનીથી ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગનો ટારગેટ બની જાય છે. ત્યારે પાલડીમાં રહેતા એક ૮૮ વર્ષના ડૉક્ટરને ઇડીનો કેસ થયો હોવાનું કહીને ડીજીટલ એરેસ્ટ અમદાવાદ, ઉત્તરપ્રદેશ અને અમરેલીથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં કમ્બોડિયા ખાતે કાર્યરત ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે પાલડીમાં રહેતા ૮૮ વર્ષીય ડૉક્ટર પરિમલ ગાર્ડન પાસે ક્લીનીક ધરાવી પ્રેક્ટીશ કરે છે. ગત ૨૮મી જુલાઇના રોજ તેમને બપોરના અજાણ્યા નંબરથી વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો. જેમાં મુંબઇ ક્રાઇમબ્રાંચ લખેલું હતુ અને તેણે પોતાની ઓળખ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ મુંબઇના અધિકારી તરીકે આપીને જણાવ્યું હતું કે અમે નરેશ ગોયેલના જેટ એરવેઝના મની લોન્ડરીંગ કેસની તપાસ કરી રહ્યા છીએ. જેમાં તમારા નામે મુંબઇની કેનેરા બેંકમાં પાંચ લાખ રૂપિયા જમા થયા છે. જેથી તમે પણ આ કેસના આરોપી છો. પરંતુ, ડૉક્ટરે તેમનું એકાઉન્ટ કેનેરા બેંકમાં ન હોવાનું કહેતા વિડીયો કોલમાં તેમના નામનું ડેબિટ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. સાથે સાથે ધમકી આપી હતી કે જો આ કેસની તપાસમાં સહકાર નહી આપો તો કોર્ટના ઓર્ડરથી તમારી ધરપકડ કરીશું અને ૪૦ દિવસના રિમાન્ડ મેળવીશું. જેથી ડૉક્ટર ડરી ગયા હતા અને સહકાર આપવાની ખાતરી આપી હતી. સાથે સાથે કોલ કરનારે તેમને ધમકી આપી હતી કે તમારા વિરૂદ્ધ દેશવિરોધી કૃત્ય સમાન કેસ છે.જેથી આ બાબતે કોઇને જાણ કરશો નહી અને તમે એરેસ્ટ છો. જેથી કોર્ટમાં જરૂર પડે તો હાજર રહેવુ પડશે. ત્યારબાદ તેમના રોકાણની તમામ વિગતો આપી હતી. જેમાં શેરબજારનું રોકાણ આશરે આઠ કરોડ સુધી હતું. પરતુ, કોલ કરનારે કહ્યું હતું કે તમારા નાણાં કાયદેસર આવકના છે કે નહી? તે તપાસ કરવી જરૂરી છે. જેથી તમામ શેર વેચાણ કરીને તેના નાણાં એકાઉન્ટમાં લઇને આરબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવશે. જે નાણાં તમને તપાસ બાદ પરત અપાશે.
ત્યારે અગાઉથી ડરી ગયેલા ડૉક્ટરે ડીમેટમાં રહેલા તમામ શેર માત્ર બે દિવસમાં વેચાણ કરીને નાણાં તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને નિયમિત વિડીયો કોલ કરીને એરેસ્ટ હોવાનું કહીને ધમકી આપતા વ્યક્તિની સુચના મુજબ મ વિવિધ બેંકોમાં કુલ આઠ કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી. જેના બદલામાં તેમને ઇડીના નામ વાળી નાણાં મળ્યાની રીસીપ્ટ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને આવતા મોબાઇલ નંબરના તમામ ફોન સ્વીચ ઓફ કરવામાં આવતા શંકા ગઇ હતી અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમની સાથે ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા આબાદ છેતરપિંડી કરવામાં આવી હતી. જેથી આ અંગે તેમણે ક્રાઇમબ્રાંચના અધિકારીઓને જાણ કરતા જેસીપી શરદ સિંઘલે તાત્કાલિક તપાસના આદેશ આપીને વિવિધ ટીમ બનાવી હતી. જેમાં ટેકનીકલ એનાલીસીસના આધારે પોલીસે પપ્પુસિંઘ પરીહાર (રહે.ઉમંગ લાંભા-૧ એપાર્ટમેન્ટ,અસલાલી રોડ,નારોલ) , આસીફ શાહ (લાઠી, અમરેલી) અને વિકાસ સિંગ (રહે. ન્યુ પદમાવતી સોસાયટી,વસઇ, પાલઘર, મહારાષ્ટ્ર)ને ઝડપી લીધા હતા. જેમાં તમામની પુછપરછમાં ઝારખંડ અને કમ્બોડિયા સ્થિત ગેંગની સંડોવણી સામે આવી હતી. જે અંગે પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આઠ કરોડની રકમ ટ્રાન્સફર કરવા માટે યશ બેંકની નારણપુરાની બ્રાંચના કરંટ એકાઉન્ટનો ઉપયોગ કરાયો
ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આઠ કરોડ રૂપિયા ટ્રાન્જેક્શન અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તમામ નાણાં નારણપુરામાં આવેલી યશ બેંકના બાલાજી ખીરૂ અને ફાસ્ડ ફુડ નામના કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. જે લાંભા નારોલમાં રહેતા પપ્પુસિંઘ પરિહારના નામે હતું. જે અંગે તેની અટકાયત કરીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અમરેલીના લાઠીમાં રહેતો આસીફશાહ પઠાણ અને પાલઘર મહારાષ્ટ્રમાં રહેતા વિકાસ સિંગની પણ આ કેસમા સંડોવણી હતી. જેથી બંનેની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વિકાસસિંગ ગેંમીંગ અને ઓનલાઇન છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે કમિશન પર એકાઉન્ટ શોધતો હતો અને છ મહિના પહેલા તેેનો પરિચય આસીફશાહ સાથે થયો હતો. વિકાસસિંગે તેેની પાસે પાંચ કરોડ ઉપરાંતની લીમીટ ધરાવતા એકાઉન્ટની માંગણી કરી હતી. જેના બદલામાં તગડા કમિશનની ખાતરી આપી હતી. ત્યારે આસીફશાહે પપ્પુસિંઘના યશ બેંકના પાંચ કરોડ ઉપરાંતની લીમીટ ધરાવતા એક એકાઉન્ટને ભાડેથી મેળવી લીધું હતું.
ઝારખંડના જામતારામાં સક્રિય વ્યક્તિએ ગણતરીના સમયમાં આઠ કરોડ અલગ અલગ ખાતામા લઇ લીધા
ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ વિકાસસિંગની પુછપરછ કરતા ઝારખંડના જામતારામાં સક્રિય ગેંગ સાથે તેની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. વિકાસસિંગ જામતારા સ્થિત ગેંગ માટે એકાઉન્ટ ભાડે લેવાનું કામ કરતો હતો. જેના બદલામાં તેને બે ટકા સુધીનું કમિશન મળતું હતું. ડીજીટલ એરેસ્ટના કેસમાં ડૉક્ટર આસાનીથી ટારગેટ બની જતા ખુબ ઓછા દિવસમાં આઠ કરોડ રૂપિયા નારણપુરાની યશ બેંકમાં જમા થયા હતા. જે નાણાં જામતારામાં રહેતા એલેક્ષ મોન્ટી નામના વ્યક્તિએ વિવિધ ેએકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા . જેથી પોલીસ નાણાંની રીકવરી કરી શકી નહોતી.
જામતારાથી એપીકે ફાઇલ મોકલીને એલેક્ષ મોન્ટીએ ફોનથી તમામ વિગતો એકઠી કરી લીધી
ઝારખંડના જામતારાથી કમ્બોડિયાની ગેંગ માટે કામ કરતા એલેક્ષ મોન્ટી નામ ધરાવતા વ્યક્તિને વિકાસસિંગે યશ બેંકના એકાઉન્ટની તમામ વિગતો મોકલી આપી હતી. પરતુ, ડૉક્ટર ડીજીટલ એરેસ્ટમાં ડરી ગયા હોવાથી નાણાં મોકલી આપે તેવી શક્યતા જોતા એલેક્ષ મોન્ટીએ એપીકે ફાઇલની લીંક વિકાસસિંગ મારફતે પપ્પુસિંઘને મોકલી આપી હતી. જે લીંક ઓપન થતા બેંકનો તમામ ડેટા તેની પાસે આવી ગયો હતો અને જેમ-જેમ નાણાં જમા થતા હતા. તેમ તેમ તે બેંકમાંથી અન્ય ખાતામાં મોકલી આપતો હતો. ખાસ કરીને નાણાં ટ્રાન્સફર કરવા માટે ઓટીપી એપીકે ફાઇલના કારણે તેને મળતા હતા.
ઝડપાયેલા આરોપીઓ પાસેથી ડેબીટ કાર્ડ, સ્વાઇપ મશીન અને બંેંક એકાઉન્ટ મળી આવ્યા
પોલીસે આરોપીઓ પાસેથી ૨૧ ડેબીટ કાર્ડ, છ સ્ટેમ્પ ,પેન ડ્રાઇવ, ચેક બુક, પાસબુક, મોબાઇલ ફોન અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ પાસેથી મળી આવેલા વિવિધ બેંક એકાઉન્ટની વિગતો તપાસતા અન્ય લોકોના એકાઉન્ટ ભાડે લીધા હોવાની વિગતો પણ પોલીસને જાણવા મળી છે. જે અંગે તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
ગાંધીનગરના મહિલા ડૉક્ટરે પણ ૧૯ કરોડની માતબર રકમ ગુમાવી હતી
ઇડી, સીબીઆઇના નામે છેતરપિંડી કરતી ગેંગ દ્વારા થોડા સમય પહેલા ગાંધીનગરમાં રહેતા એક સિનિયર મહિલા ડૉક્ટરને પણ ટારગેટ કરવામાં આવ્યા હતા. જેમાં તેમને ડીજીટલ એરેસ્ટ કરીને મનીલોન્ડરીંગ, ફેમા તેમજ અન્ય કેસની ધમકી આપીને ૧૯ કરોડની રકમ પડાવી લેવામાં આવી હતી. મહિલા તબીબ એ હદે ડરી ગયા હતા કે તેમણે તેમની જીવનભરની બધી જ કમાણી ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગને ટ્રાન્સફર કરી દીધી હતી.