સરસપુરમાં યુવકના અપહરણ-હત્યા કેસના આરોપીઓને ઝડપી લેવાયા
જુની અદાવતમાં હત્યા કર્યાનું બહાર આવ્યું
રીક્ષામાં અપહરણ કરીને હત્યા બાદ લાશને વોરાના રોજા પાસે ફેંકી દેવાઇઃ અન્ય ત્રણ આરોપીની શોધખોળ શરૂ
અમદાવાદ,રવિવાર
શહેરના સરસપુરમાં રહેતા યુવકનું ત્રણ દિવસ પહેલા રીક્ષામાં અપહરણ કરીને તેને માર મારીને હત્યા કરીને તેની લાશને વોરાના રોજા પાસે ફેંકી દેવાના કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
સરસપુર શારદાબેન હોસ્પિટલ પાસે આવેલી વસાહતમાં રહેતા ૨૪ વર્ષના ઉમંગ દંતાણીનું ગત ૩જી તારીખે રાતના સમયે કેટલાંક શખ્સોએ રીક્ષામાં તેનું અપહરણ કરીને તિક્ષણ હથિયાર વડે ઇજાઓ પહોંચાડીને તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને વોરાના રોજા પાસે ફેંકી દીધો હતો.
આ અંગે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ ક્રાઇમબ્રાંચના પીઆઇ જે કે મકવાણા અને તેમના સ્ટાફે બાતમીના આધારે સુમિત પટણી, અમિત પટણી અને અન્ય એક સગીરને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપીઓ રોહન પટણી, આકાશ પટણી અને પુનમ પટણીની શોધખોળ શરૂ કરી છે.
આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સુમિત પટણીને મૃતક સાથે અંગત અદાવત હતી. ગત ૩જી તારીખે તે રસ્તા પર મળ્યો ત્યારે તેનું અપહરણ કરીને માર મારીને હત્યા કરી હતી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.