સ્પર્મવ્હેલ માછલીની ત્રણ કરોડની કિંમતની વોમીટ સાથે ચાર ઝડપાયા
અમદાવાદમાં ગ્રાહકોને શોધવા માટે ફરતા હતા
પરફ્યુમના કેમીકલમાં સ્પર્મવ્હેલની વોમીટનો ઉપયોગ કરવાથી સુગંધ લાંબા સમય સુધી ટકતી હોવાથી વિશેષ ડિમાન્ડ રહે છેઃ ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ બુધવારે સુરતમાં રહેતા એક શખ્સ સહિત ચાર વ્યક્તિઓને સ્પર્મવ્હેલ માછલીની રૂપિયા ત્રણ કરોડની કિંમતની આશરે ત્રણ કિલો વોમીટ સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ અમદાવાદમાં સ્પર્મનવ્હેલની વોમીટ (એમ્બરગ્રીસ)નું વેચાણ માટે ગ્રાહકોની શોધમાં ફરતા હતા. એમ્બરગ્રીસનો ઉપયોગ અંતર, પરફ્યુમ અને દવા બનાવવા માટે થતો હોવાથી તેની ડિમાન્ડ રહે છે. પરંતુ, વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ એમ્બરગ્રીસની દાણચોરી ગુનો બને છે. ત્યારે આ કૌભાડમાં અનેક મોટા નામ સામે આવી શકે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી કે સુરતના કતારગામમાં આવેલા ઓર્ચીડ ટાવરમાં રહેતો આમીર મનસુરી નામનો વ્યક્તિ છેલ્લાં બે-ત્રણ દિવસથી અમદાવાદના આવીને સ્પર્મવ્હેલ નામની માછલીની ઉલ્ટી (વોમીટ) એટલે કે એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઢોલા અને તેમના સ્ટાફે વોચ ગોઠવીને આમીર મનસુરીને ઝડપીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોબાઇલ ફોનનાં એમ્બરગ્રીસનો વિડીયો બતાવીને ગ્રાહકોને શોધતો હતો. આ અંગે વધુ પુછપરછ કરતા એમ્બરગ્રીસનો જથ્થો સુરતમાં રહેતા ઉસ્માન શેખ સુરતમાં ફુલવાડી નજીક આવેલી રીવર વ્યુ સોસાયટી ખાતે હોવાની વિગતો જાણવા મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને ઉસ્માનના ઘરે દરોડો પાડીને રૂપિયા ૨.૯૨ કરોડની કિંમતની આશરે ત્રણ કિલો જેટલો એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કરીને તેને ઝડપી લીધો હતો. પોલીસે આ અંગે સહાદતઅલી રંગરેઝ ( સુભાષનગર, રાંદેર, સુરત) અને મોહમંદ શેખને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ એમ્બરગ્રીસનો જથ્થો દાણચોરી કરીને લાવીને ચોક્કસ ગેંગ માટે કમિશનના આધારે વેચાણ કરવા માટે ફરતા હતા. પોલીસના જણાવ્યા મુજબ એમ્બરગ્રીસનો ઉપયોગ પરફ્યુમ, અંતર અને દવાના ઉપયોગમાં લેવામાં આવે છે. જેના કેમીકલમાં એમ્બરગ્રીસનો જથ્થો ઉમેરવાથી સુંગધ લાંબા સમય સુધી ટકી રહે છે. જેથી તેની સૌથી વધુ માંગ રહે છે.
સુત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓ અમદાવાદમાં પરફ્યુમનો મોટાપ્રમાણમાં વેપાર કરતા કેટલાંક વેપારીઓ સાથે સંપર્કમાં પણ હતા. જેના આધારે પોલીસે તપાસે વધુ તપાસ શરૂ કરી છે.