Gujarat

અમદાવાદમાં બે માથાભારે વ્યાજખોરે અઢી કરોડની સામે 4.77 કરોડ વસૂલ્યાં, મિલકતો પણ પડાવી

By GS TEAM
12 Feb 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરના ગુરૂકુળ રોડ રહેતા અને બિલ્ડિંગ મટિરિયલનો વ્યવસાય કરતા વેપારીએ ધંધા માટે નાણાંની જરૂર પડતા ઓમપ્રકાશ પંજાબી સાથે સાંઠગાઠ ધરાવતા જીમ્મી અસીજા નામના વ્યક્તિ પાસેથી અઢી કરોડ રૂપિયા દોઢ ટકાના વ્યાજે લીધા હતા. વ્યાજે લીધેલા નાણાંની સામે વેપારીએ કલોલ જીઆઇડીસીમાં આવેલા પ્લોટના દસ્તાવેજ પણ કરી આપ્યા હતા. ત્યારબાદ પ્રતિમાસ ચાર ટકા લેખે વ્યાજ વસુલવાનું શરૂ કરીને વેપારીની અન્ય જમીન પચાવીને અઢી કરોડની સામે 4.77 કરોડ જેટલી રકમ વસુલી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ મની લોન્ડરિંગ એક્ટ અને છેતરપિડીનો ગુનો નોંધીને ઓમપ્રકાશ પંજાબી નામના વ્યાજખોરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં બે માથાભારે વ્યાજખોરે અઢી કરોડની સામે 4.77 કરોડ વસૂલ્યાં, મિલકતો પણ પડાવી

ઓમપ્રકાશ પંજાબી 


Ahmedabad Crime News : અમદાવાદ શહેરના ગુરૂકુળ રોડ રહેતા અને બિલ્ડિંગ મટિરિયલનો વ્યવસાય કરતા વેપારીએ ધંધા માટે નાણાંની જરૂર પડતા ઓમપ્રકાશ પંજાબી સાથે સાંઠગાઠ ધરાવતા જીમ્મી અસીજા નામના વ્યક્તિ પાસેથી અઢી કરોડ રૂપિયા દોઢ ટકાના વ્યાજે લીધા હતા. વ્યાજે લીધેલા નાણાંની સામે વેપારીએ કલોલ જીઆઇડીસીમાં આવેલા પ્લોટના દસ્તાવેજ પણ કરી આપ્યા હતા. ત્યારબાદ પ્રતિમાસ ચાર ટકા લેખે વ્યાજ વસુલવાનું શરૂ કરીને વેપારીની અન્ય જમીન પચાવીને અઢી કરોડની સામે 4.77 કરોડ જેટલી રકમ વસુલી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ મની લોન્ડરિંગ એક્ટ અને છેતરપિડીનો ગુનો નોંધીને ઓમપ્રકાશ પંજાબી નામના વ્યાજખોરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

જિમ્મી અસીજા 



શહેરના ગુરૂકુળ રોડ પર આવેલા સન ટેરેસ ફ્લેટમાં રહેતા હેમાંગભાઇ શાહ બિલ્ડીંગ મટિરીયલ  સપ્લાયનો વ્યવસાય કરે છે. ધંધાકીય સંબધોને કારણે તે ઓમપ્રકાશ પંજાબી (રહે. બાગેશ્રી ટાવર, સેટેલાઇટ)ના સંપર્કમાં આવ્યા હતા. તેમણે હેમાંગભાઇને જણાવ્યું હતું કે ધંધા માટે નાણાંની જરૂર હોય તો તે ધિરાણે નાણાં આપે છે.  થોડા વર્ષ પહેલા હેમાંગભાઇને નાણાંની જરૂર હોવાથી તેમણે ઓમપ્રકાશ પંજાબી પાસે નાણાં ધિરાણ પર માંગ્યા હતા.

ઓમપ્રકાશે જણાવ્યું હતું કે તે તેના સાળાના દીકરા જીમ્મી અસીજા (રહે.વેનેશીયલ વિલા, શીલજ) પાસેથી નાણાં અપાવશે. બંનેએ હેમાંગભાઇને માસિક દોઢ ટકાના વ્યાજે નાણાં આપવાની ખાતરી આપી હતી. પરંતુ, તેની પાસે સિક્યોરીટી પેટે મિલકત લખી આપવાનું કહ્યુ હતું.  જેથી હેમાંગભાઇએ કલોલ જીઆઇડીસીના પ્લોટની મિલકતનો દસ્તાવેજ આપ્યો હતો અને જેની સામે અઢી કરોડ રૂપિયા ધિરાણ પર લીધા હતા. પરંતુ, ત્યારબાદ જીમ્મીએ મહિને અઢી ટકાને બદલે મહિને ચાર ટકા વ્યાજની માંગણી કરી હતી અને મોડા વ્યાજ પર પેનેલ્ટી પણ વસુલવાની શરૂ કરી દીધી હતી.

આમ, વ્યાજ અને મુડી વધારીને તે નાણાં નહી મળે તો પરિવારનું અપહરણ કરવાની ધમકી આપતા હતા. ત્યારબાદ વધુ નાણાં વસુલવા માટે સમજુતી કરાર કરવાનું  કહીને જેમીન ડેવેલોપ કરવા કહ્યું હતું. આ કરારનો ભંગ કરીને પણ નાણાં વસુલવામાં આવતા હતા. છેવટે કરારના હિસાબની સામે વિરમગામના હાસંલપુરની જમીન લઇને તમામ બાબતે સેટલમેન્ટ કરવાની અને કલોલનો પ્લોટ પરત કરવાની ખાતરી આપી હતી. પરંતુ, તે પ્લોટ પરત આપ્યો નહોતો અને હેમાંગભાઇ પાસેથી 4.77 કરોડ જેટલી રકમ પણ વસુલી હતી.

ત્યારબાદ પણ નાણાંની માંગણી ચાલુ રાખી હતી. એટલું જ નહી કલોલ જીઆઇડીસીની કરોડો રૂપિયાની  જમીન  જીતેન્દ્ર જૈનને વેચાણે આપી દીધી હતી. આમ, બંને વ્યાજખોરોએ અઢી કરોડની સામે બમણી રકમ વસુલવાની સાથે કરોડોની જમીન પણ હડપ કરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધીને ફરાર વ્યાજખોર ઓમપ્રકાશ પંજાબીને ઝડપી લીધો હતો. જ્યારે જીમ્મી અસીજાની શોધખોળ શરૂ કરી છે.

ઓમ પ્રકાશ પંજાબીના કારણે પ્રહલાદનગરમાં વેપારીએ આત્મહત્યા કરી હતી 

ક્રાઇમબ્રાંચના હાથે ઝડપાયેલા વ્યાજખોર ઓમપ્રકાશ પંજાબી અને જીમ્મી અસીજા વિરૂદ્ધ અગાઉ પણ ફરિયાદો નોંધાઇ ચુકી છે. જેમાં ઓમપ્રકાશ પંજાબીના કારણે પ્રહલાદનગર સફલ પરિવેશ એપાર્ટમેન્ટમાં રહેતા 62 વર્ષીય સુશીલભાઇ તીબડેવાલે એપાર્ટમેન્ટની અગાસી પરથી કુદીને આત્મહત્યા કરી હતી.  સુશીલભાઇ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે ઓમ પ્રકાશ પંજાબીએ તેમને 20 લાખ રૂપિયા આપીને માસિક પાંચ ટકા વ્યાજ સાથે એક કરોડ જેટલી રકમ વસુલી હતી. ત્યારબાદ પણ નાણાં માંગતો હતો. જેથી તે જીવન ટુંકાવે છે. આનંદનગર પોલીસે આ અંગે ગુનો પણ નોંધ્યો હતો.