Gujarat

પત્રકારે કોની કોની સાથે તોડ કર્ર્યો? પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવાઇ

By GS TEAM
4 Oct 20252 mins read
પત્રકારે કોની કોની સાથે  તોડ કર્ર્યો? પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવાઇ

અમદાવાદ,શનિવાર

એક જાણીતા મિડીયા હાઉસની વેબસાઇટમાં કામ કરતા પત્રકારે જ્વેલર્સ સાથે ૧૦ લાખ રૂપિયાનો તોડ કર્યાની ફરિયાદ બાદ શરૂ કરેલી તપાસમાં અનેક ખુલાસા થઇ રહ્યા છે. જેમાં ક્રાઇમબ્રાંચને અમદાવાદની ડીસીપી ઓફિસ ઉપરાંત, અન્ય પોલીસ મથકોમાં દિર્ઘાયુ વ્યાસે ખંડણી માંગવાની સાથે ધમકી આપ્યાની વિગતો સામે આવી છે. જે અનુસંધાનમાં ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

ન્યુઝની એક વેબસાઇટના પત્રકાર દિર્ઘાયુ વ્યાસે ક્રાઇમબ્રાંચમાં જ્વેલર્સ અને તેના ભાગીદારો વિરૂદ્ધ દાખલ થયેલી અરજીનો નિકાલ કરી આપવાનું કહીને ૧૦ લાખ રૂપિયા લીધા હોવાની ફરિયાદ અનુસંધાનમાં પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં શનિવારે દિર્ઘાયુ વ્યાસના સહકર્મીઓને નિવેદન માટે બોલાવવાનું શરૂ કર્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ પોલીસને ખાનગી રાહે તપાસ કરતા  ચોંકાવનારી વિગતો મળી છે કે દિર્ઘાયુ વ્યાસ તેને કેટલાંક સહર્મીઓના નિયમિત સંપર્કમાં હતો અને જીએસટીમાં કેસ કરવાની ધમકી પણ તેમના કહેવાથી આપી હતી. આ ઉપરાંત, ૧૦ લાખની રકમ પૈકીનો આર્થિક વ્યવહાર પણ કરાયો હતો. ત્યારે માહિતીના આધારે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.  બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારના એક ડીસીપીની ઓફિસ તેમજ  પૂર્વ વિસ્તારના ત્રણ પોલીસ મથકોમાં દિર્ઘાયુ વ્યાસે તોડ કરવાની કે ધમકી આપ્યાની વિગતો સામે આવી છે. જે અંગે ક્રાઇમબ્રાંચે વિવિધ પોલીસ મથકોના અધિકારીઓને બોલાવીને પુરાવા અને માહિતી એકત્ર કરવાની શરૂ કરી છે. જે અનુસંધાનમાં ગુનો નોંધવા માટે આદેશ પણ અપાયા છે. સાથે સાથેે ક્રાઇમબ્રાંચે અન્ય પોલીસ સ્ટેશનોમાંથી પણ માહિતી મંગાવી છે. ત્યારે આગામી દિવસોમાં આ કૌભાંડમાં મોટા ખુલાસાની શક્યતા છે.