દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા
દિર્ઘાયુ વ્યાસના તોડકાંડના કેસનો મામલો
ક્રાઇમબ્રાંચે એક વેબ પોર્ટલ અને અન્ય એક અખબારના પત્રકારના વોટ્સએપ ડેટા અને કોલ ડીટેઇલ રેકોર્ડ સહિતની વિગતો મંગાવી તપાસ શરૂ કરી

અમદાવાદ,સોમવાર
દિર્ઘાયુ વ્યાસના તોડકાંડ મામલે તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચની ટીમને ચોકાવનારી માહિતી મળી છે કે દિર્ઘાયુ વ્યાસ અને અન્ય બે સિનિયર પત્રકારોની ત્રિપુટીએ તોડબાજીનું નેટવર્ક બનાવ્યુ હતું. જેમાં એક પત્રકાર ટારગેટ શોધતો હતો અને અન્ય એક પત્રકાર બદનામ કરવાની ધમકી આપતો હતો. જ્યારે દિર્ઘાયુ વ્યાસ નાણાના વ્યવહાર લેતો હતો અને નક્કી કર્યા મુજબ વહેચણી કરતો હતો. દિર્ઘાયુ વ્યાસે તેના મોબાઇલમાંથી ડેટા ડીલીટ કરીને પુરાવાનો નાશ કરતા હવે ક્રાઇમબ્રાંચ મેટામાંથી વોટ્સએપની વિગતો અને કોલ ડીટેઇલ તપાસી રહી છે. જેના રિપોર્ટના આધારે આ કેસમાં અન્ય બે પત્રકારો પર પણ તવાઇ આવી શકે તેમ છે.
જ્વેલર્સ સાથે રૂપિયા ૧૦ લાખના તોડકાંડની ફરિયાદ બાદ વેબ પોર્ટલના પત્રકાર દિર્ઘાયુ વ્યાસના અનેક કારસ્તાન સામે આવી રહ્યા છે. જો કે ક્રાઇમબ્રાંચને પહેલાથી આશંકા હતી કે દિર્ઘાયુ વ્યાસ સાથે અન્ય કોઇની સંડોવણી છે અને તેને મળતા નાણાંથી કેટલાંક વ્યવહાર અન્ય લોકો સુધી પહોંચી રહ્યા છે. જે અંગે તપાસ કરવા માટે ક્રાઇમના એક સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ કામગીરી સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી કે દિર્ઘાયુ વ્યાસ અને અન્ય બે સિનિયર પત્રકારોએ ત્રિપુટી બનાવીને તોડકાંડ આચરતા હતા.
આ ગેંગમાં એક પત્રકાર દિર્ઘાયુ વ્યાસ સાથેના વેબ પોર્ટલમાં કામ કરતો હતો અને સંદેશ અખબારના એક પત્રકારની ત્રિપુટીમાં ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ સંદેશના પત્રકાર ટારગેટ શોધી આપતો હતો અને દિર્ઘાયુ ક્રાઇમબ્રાંચ સહિતની એજન્સીમાં તે કામ કરાવી આપવાનું કામ કરતો હતો. મોટાભાગના કેસમાં પોલીસને પણ ચોક્કસ રકમ આપવામાં આવતી હોવાથી કામ આસાનીથી થતુ હતું. પરંતુ, પેમેન્ટ એડવાન્સમાં લેવામાં આવતું હતું. જેથી કોઇ કામ ન થાય તો પણ નાણાં આપનારને ખોટા કેસમાં ફસાવવાનું કહીને ધમકી આપવામાં આવતી હતી. જ્યારે અન્ય એક પત્રકાર દબાણ ઉભુ કરતો હતો.
જેથી તોડબાજીનું નેટવર્ક સુવ્યસ્થિત રીતે ચાલતુ હતું. આમ, તોડબાજીના નાણાં ચોક્કસ હિસ્સામાં વહેચવામાં આવતા હતા. જેથી સજ્જડ પુરાવા મળતા ક્રાઇમબ્રાંચ અન્ય બે સિનિયર પત્રકારો વિરૂદ્ધ પણ કાર્યવાહી થઇ શકે છે.
ક્રાઇમબ્રાંચે આ માહિતીને આધારે તમામની વોટ્સએપના ચેટ સહિતના ડેટા મેળવવા માટે મેટામાં ઇ-મેઇલ મોકલ્યો છે. સાથેસાથે ત્રિપુટીના કોલ ડીટેઇલ રેકોર્ડ પણ તપાસમાં આવી રહ્યા છે.

