છ વર્ષથી ગૂમ થયેલી સગીરાને નડિયાદ શોધીને પરિવારજનોને પરત કરવામાં આવી
સગીરા હાલ ૨૨ વર્ષની યુવતી
પ્રેમી તેને છ વર્ષ પહેલા ભગાડીને હિમાચલ પ્રદેશ લઇ ગયો હતોઃ યુવતી ખંભાતમાં અન્ય યુવક સાથે રહેતી હતી
અમદાવાદ,ગુરૂવાર
શહેરના સરખેજ વિસ્તારમાંથી આશરે છ વર્ષ પહેલા એક ૧૭ વર્ષની સગીરા રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઇ હતી. જે અંગે કોઇ કડી મળી નહોતી. ત્યારે ક્રાઇમબ્રાંચના તાબામાં આવતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે ઉંડાણ પૂર્વક તપાસ કરીને લાપત્તા થયેલી સગીરાની ભાળ મેળવી છે. જેની ઉમર હાલ ૨૨ વર્ષની છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેેને છ વર્ષ પહેલા એક યુવક ભગાડીને હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં લઇ ગયો હતો.
અમદાવાદમાં લાપતા સગીરની શોધખોળ કરવા માટે ક્રાઇમબ્રાંચ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અનુસંધાનમાં પોલીસે સરખેજથી જાન્યુઆરી ૨૦૨૦માં લાપત્તા થયેલી ૧૭ વર્ષની સગીરાની શોધખોળ શરૂ કરી હતી. જેમાં કેસની કાગળો અને વિવિધ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ સી ઝાલાએ તપાસ શરૂ કરી હતી. જેમાં ચોક્કસ કડી મળી હતી કે સરખેજથી લાપત્તા થયેલી સગીરાને હાલ ૨૨ વર્ષની છે અને તે ખંભાતમાં છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ તેને એક સંતોષભુવાજી નામના વ્યક્તિ પાસેથી મળી હતી. પોલીસે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને સુરેન્દ્રસિંહ નામના વ્યક્તિ સાથે પ્રેમ હતો. તે ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ તેના ભાઇના જન્મદિવસની ગીફ્ટ લેવા માટે ગઇ હતી. ત્યારે તેને સુરેન્દ્રસિંહ કારમાં બેસાડીને હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં લઇ ગયો હતો. જ્યાં તે અઢી વર્ષ રહી હતી અને બાદમાં તે સુરેન્દ્રસિંહ સાથે વડોદરા રહેવા માટે આવી હતી. પરંતુ, તે દારૂ પીને માર મારતો હતો. આ દરમિયાન તને સંતોષભુવાજી સાથે પ્રેમ થતા તે તેની સાથે લીવ ઇનમાં રહેતી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.