વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી!
ક્રાઇમબ્રાંચે પીઆઇને પુછપરછ માટે બોલાવ્યા
લાલ દરવાજા સ્થિત વકીલની ઓફિસમાં દિર્ઘાયુ કોને કોને મળતો હતો? તે અંગે પણ તપાસ શરૂ કરાઇઃ ઓફિસના અન્ય સ્ટાફને પણ નોટિસ મોકલાઇ

અમદાવાદ,રવિવાર
જ્વેલર્સને જીએસટીના કેસમાં ફસાવીને ૧૦ લાખનો તોડ કરવા સહિતના ચાર ગુનાના આરોપી અને પત્રકાર દિર્ઘાયુ વ્યાસના પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટદારો સાથેના સંબધને લઇને પણ મોટા ખુલાસા થઇ રહ્યા છે. જેથી ક્રાઇમબ્રાંચ દિર્ઘાયુ વ્યાસ અંગે અન્ય કડીઓ પણ તપાસી રહી છે. જેમાં ચોંકાવનારી માહિતી મળી હતી કે તેેણે એક અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે ભાગીદારીમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે જમીન ખરીદી હતી. જ્યાં બંને જણા એક બિલ્ડરની મદદથી કોઇ સ્કીમ પણ તૈયાર કરવાના હતા. આ બાબતને ગંભીરતાથી લઇને ક્રાઇમબ્રાંચે પોલીસ ઇન્સ્પેક્ટરને નોટિસ મોકલીેને પુછપરછ માટે બોલાવ્યા છે. આ ઉપરાંત, વેબ પોર્ટલની ઓફિસના હેડ સહિતના સ્ટાફને પણ પુછપરછ માટે તેડુ મોકલ્યું છે.
રતનપોળના જ્વેલર્સ વિરૂદ્ધની અરજીનો નિકાલ કરી આપવાનું કહીને ૧૦ લાખની રકમ લીધા બાદ પરત નહી કરીને જીએસટીની રેડ કરાવવાની ધમકી આપવાના કેસમાં સંડોવાયેલા પત્રકાર દિર્ઘાયુ વ્યાસના એક પછી એક કારસ્તાન સામે આવી રહ્યા છે. ક્રાઇમબ્રાંચને દિર્ઘાયુ વ્યાસની પુછપરછ કરવાની સાથે કેટલાંક પુરાવા તપાસ્યા હતા. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ભાગીદારીની વિગતો મળી હતી. જે અંગે તપાસ કરતા કેટલાંક પુરાવા મળ્યા હતા. જે અનુસંધાનમાં ક્રાઇમબ્રાંચે હાલ અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને નોટિસ મોકલીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે. આમ, પ્રથમવાર કોઇ પોલીસ અધિકારીની પણ પુછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત, કેતન નામના એક વહીવટદાર સાથે દિર્ઘાયુ વ્યાસ સાથે નજીકના સંપર્ક હોવાની વિગતો પણ ક્રાઇમબ્રાંચ તપાસી રહી છે. જેના આધારે આગામી સમયમાં વહીવટદારની પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુછપરછ કરવામાં આવશે.
બીજી તરફ દિર્ઘાયુ વ્યાસે વેબ પોર્ટલમા સમાચાર છાપીને બ્લેકમેઇલ કરવાના તેમજ તેના મિડીયા હાઉસની ધમકી આપીને અનેક લોકોને ટારગેટ કર્યા હતા. આ ઉપરાંત, ઓફિસમાં પણ તે પિસ્તોલ લઇને આવતો હતો. તેમજ તેણે આચરેલા કૌભાંડમાં સ્ટાફની સંડોવણી છે કે નહી? તે બાબત તપાસવા માટે ક્રાઇમબ્રાંચે થોડા દિવસ પહેલા મનોજ કારિયા નામના પત્રકારની પુછપરછ કરી હતી. આ ઉપરાંત, વેબ પોર્ટલના હેડ મનીષ મહેતા સહિતના અન્ય સ્ટાફ તેમજ કેટલાંક પત્રકારોને નોટિસ મોકલીને તપાસનો દૌર ચલાવ્યો છે.
દિર્ઘાયુ વ્યાસના ૧૦ લાખના તોડ કેસમાં સમગ્ર કૌભાંડની તપાસમાં ક્રાઇમબ્રાંચે વકીલ ઇલીયાઝખાન પઠાણની ઓફિસમાં પણ તપાસ કરી છે. સાથેસાથે ક્રાઇમબ્રાંચને માહિતી મળી છે કે વકીલની ચેમ્બરમાં દિર્ઘાયુ વ્યાસની સતત અવર જવર રહેતી હતી અને તે અનેક લોકોને ત્યાં મળવા માટે બોલાવતો હતો. સાથેસાથે વકીલ દ્વારા પણ અનેક લોકોને મળતો હતો. ત્યારે આ બાબતે ક્રાઇમબ્રાંચ વકીલ ઇલિયાઝખાન પઠાણની તેમજ તેમના સ્ટાફની પણ પુછપરછ કરશે.ક્રાઇમબ્રાંચના સુત્રોના જણાવ્યા મુજબ પોલીસને દિર્ઘાયુ વ્યાસના વેબપોર્ટલના સ્ટાફની પુછપરછમાં કે અન્ય કોઇની તપાસમાં કડી મળશે ત્યારે ક્રાઇમબ્રાંચ કાયદાકીય કાર્યવાહી કરશે.

