ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશી મહિલાને ઝડપી, પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા
Ahmedabad News : જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતના અમદાવાદ, સુરત સહિતના જિલ્લામાંથી બાંગ્લાદેશી નાગરિકોને શોધીને તેમની અટકાયત કરવામાં આવી હતી. જેમાં કેટલાક બાંગ્લાદેશીઓને ડિપોર્ટ પણ કરી દેવાયા છે. આ પછી પોલીસે 500 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ અંગે માહિતી ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી, ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ભારતીય પુરાવા એકઠા કરીને પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદમાં રહેતી એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા પોતાનું નામ બદલીને વર્ષ 2014થી ભારતમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે મહિલાના 18 તારીખે સુધીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાંગ્લાદેશી મહિલાની ધરપકડ
ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચ 500 જેટલા શંકાસ્પદ પાસપોર્ટના આધારે તપાસ આદરી હતી. જેમાં અમદાવાદમાં વર્ષ 2016થી રહેતી ઝરણા અખ્તર શેખ ઉર્ફે જોયા નામની બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2014માં મહિલા જોયા બનીને ભારતમાં આવી અને વર્ષ 2016માં મહિલાએ અમદાવાદમાં વસવાટ કર્યો અને પછી વર્ષ 2017માં યુનુસ નામના વ્યક્તિના સંપર્કમાં આવીને બનાવટી આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડ બનાવ્યા હતા. જેમાં મહિલાએ ઉત્તર પ્રદેશમાં તેનો જન્મ થયો હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું.
પતિ પણ હતો અજાણ
મહિલાએ અમદાવાદમાં ભાડા કરાર કરાવીને રહેતી હોવાના આધારે પાસપોર્ટ માટે અરજી કરી હતી. નારોલ પોલીસે તેનો નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. જો કે, આગળ જતાં તેને પાસપોર્ટ મળ્યો હતો. જ્યારે મહિલાએ જુહાપુરાના યુવક સાથે લગ્ન કર્યા હોવાનું અને તેમને સંતાન હોવાનું સામે આવ્યું છે. જો કે, મહિલા બાંગ્લાદેશી હોવાને લઈને જ્યારે પોલીસ તપાસમાં પહોંચી ત્યારે તેના પતિને આ મામલે જાણ થઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતના આટલા જિલ્લામાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી, આજે 14 તાલુકામાં માવઠું
જાણવા મળ્યું છે કે, મહિલા બનાવટી પાસપોર્ટના આધારે સાઉદી પણ ગઈ હતી અને ત્યાં તેણે 10 મહિના નોકરી પણ કરી હતી. તેમજ તે 3 વખત બાંગ્લાદેશ અને સાઉથ ઈસ્ટ એશિયા ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે મહિલાના 18 તારીખ સુધીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.