30 વર્ષ બાદ અકસ્માત પીડિતને ચૂકવાશે વળતરની રકમ, વર્ષ 1995માં થયેલા અકસ્માત પર ટ્રિબ્યુનલે આપ્યો આદેશ

Vehicle Accident Case : અમદાવાદમાં 62 વર્ષના વ્યક્તિને લગભગ ૩ દાયકા પહેલા વર્ષ 1995માં થયેલા અકસ્માતમાં રૂ. 29,200 વળતર રકમ વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ મોટર એક્સિડેન્ટ ટ્રિબ્યુનલ અમદાવાદ ગ્રામ્ય દ્વારા કરવામાં આવ્યો છે...અરજદારે 29મી ફેબ્રુઆરી 1996ના રોજ ટ્રિબ્યુનલમાં વળતર મેળવવા માટે અરજી દાખલ કરી હતી.
વળતરની રકમ વ્યાજ સાથે ચૂકવવા નિર્દેશ
મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલ અમદાવાદ ગ્રામ્ય દ્વારા બસના માલિક - જશવંત પ્રજાપતિ અને યુનાઇટેડ ઇન્શ્યોરન્સ કંપનીને આદેશ પસાર થયાના એક મહિનાના સમયગાળામાં વળતરની રકમ વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો નિર્દેશ કર્યો છે. જોકે, ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું છે કે 11મી સપ્ટેમ્બર, 2017થી 7મી ઓગસ્ટ, 2025 સુધી દાવાની આ અરજી સ્થગિત હોવાથી આ સમયગાળા દરમિયાન વળતર પર કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે નહિ.
અરજદાર વળતર મેળવવા હકદાર : કોર્ટ
ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે આ વાહન અકસ્માતમાં થયેલી ઇજાઓને કારણે અરજદારને કાયમી ઈજાઓ થઈ હતી, જોકે તેમની કમાવવાની ક્ષમતામાં કોઈ ઘટાડો થયો નથી.... અરજદારે અકસ્માત બાદ પણ નોકરી ચાલું રાખી અને તેમની આવકમાં ઘટાડો થયો નથી. દસ્તાવેજી પુરાવવાથી આ સાબિત થાય છે કે અરજદારને અકસ્માતના કારણે સમગ્ર શરીરની 8 ટકા ઈજા થઈ હતી, જેના કારણે ભવિષ્યમાં ચોક્કસપણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી અરજદાર - દેવેન્દ્ર પટેલ ભવિષ્યની આવકના નુકસાનના શીર્ષક હેઠળ વળતર મેળવવા માટે હકદાર રહેશે.
‘અકસ્માત માટે અરજદારની 20% બેદરકારી’
ટ્રિબ્યુનલે અંદાજ લગાવ્યો છે કે વર્ષ 1995માં અરજદારની માસિક આવક દર મહિને 2 હજાર રૂપિયા જેટલી હશે અને વાહન અકસ્માતના કારણે બે મહિના સારવાર હેઠળ અને તેથી તેમને 8 રૂપિયા જેટલું આર્થિક નુકસાન થયું હશે.... અરજદારને પીડા, આઘાત અને વેદના માટે 8 હજાર રૂપિયા અને તબીબી ખર્ચ માટે એટલી જ રકમ મેળવવાના હકદાર છે... આ તમામ બાબતેને ધ્યાનમાં રાખતા ટ્રિબ્યુનલે જણાવ્યું કે દાવેદાર કુલ 36,600 રૂપિયાનું વળતર મેળવવા માટે પાત્ર છે, જોકે કોર્ટે એ પણ નોંધ્યું કે અકસ્માત માટે અરજદારની 20% બેદરકારી છે અને તેથી કુલ વળતરની રકમમાંથી 20% કપાત થવી જરૂરી છે અને તેથી, અરજદાર વળતરની ફક્ત 80% રકમ મેળવવા માટે હકદાર રહેશે...આ રકમ 29,280 રૂપિયા થશે.
અરજદારે શું કહ્યું?
અરજદારે સોગંદનામામાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે, તેમની ઉંમર 33 વર્ષ હતી અને તેઓ ટોરેન્ટ લેબોરેટરીમાં નોકરી કરતા હતા અને દર મહિને રૂ. 2,500 કમાતા હતા, પરંતુ તેમની માસિક આવક સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજી કે મૌખિક પુરાવા રજૂ કરી શક્યા નથી.... કોર્ટે અરજદારની શૈક્ષણિક અને અન્ય લાયકાત દર્શાવતા રેકોર્ડ અને વ્યવસાયને ધ્યાનમાં રાખીને અરજદાર વર્ષ 1995માં મહિને 2 હજાર રૂપિયા કમાતા હશે, તેવો અંદાજ લગાવ્યો હતો.
1995માં ટ્રકે સ્કૂટરને મારી હતી ટક્કર
આ સમગ્ર કેસની વિગત એવી છે કે 13મી ઓક્ટોબર 1995ના રોજ, અરજદાર તેના સંબંધી સાથે સ્કૂટર પર વટવાથી લાલપુર જતા હતા, ત્યારે બપોરે ૨:૩૦ વાગ્યે કાનભા પોલીસ ક્વાર્ટર્સ પાસે પહોંચ્યા, ત્યારે તેમના સ્કૂટરની આગળ ચાલી રહેલી ટ્રકે અચાનક ઉતાવળ અને બેદરકારીપૂર્વક જમણો વળાંક લીધો.... પરિણામે, અરજદારનું સ્કૂટર પાછળથી ટ્રક સાથે અથડાયું, જેના કારણે વાહન અકસ્માત થયો અને ઇજાઓ થઈ હતી.
અરજદારે મોટર વાહન અધિનિયમની કલમ 166 હેઠળ વાહન અકસ્માતને કારણે તેમને થયેલી ઇજાઓના કારણે ટ્રકના માલિક અથવા વીમા કંપની પાસેથી વાર્ષિક 15 ટકાના દરે વ્યાજ સાથે દોઢ લાખ રૂપિયાનું વળતર મેળવવા માટે આ અરજી દાખલ કરી છે.