અમદાવાદ : કોર્ટે 37 ગુનામાં, 8 વાર પાસામાં ધકેલાયેલા આરોપીના આર્મ્સ એક્ટના ગુનામાં જામીન મંજૂર કર્યા

Ahmedabad Court : અમદાવાદ સિટી સિવિલ અને શેસન્સ કોર્ટે પરમિટ વિના ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલા આરોપીના જામીન મંજૂર કર્યા છે. આરોપી મોહમ્મદ કલીમ ઉર્ફે ભૈયા અકબરખાન પઠાણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી વિરુદ્ધ અગાઉ આ પ્રકારના 37 ગુના દાખલ કરવામાં આવી ચૂક્યા છે, જ્યારે 8 વાર પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશ્યલ એક્ટિવિટી) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
કોર્ટે આરોપીને 15 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મુક્ત કર્યો
કોર્ટે આરોપીના જામીન મંજૂર કરતા નોંધ્યું કે આરોપીના સંડોવાયેલા ગુનામાં મહત્તમ સજા 5 વર્ષ સુધીની છે અને તેની ટ્રાયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલશે. અરજદાર-આરોપી અમદાવાદનો કાયમી રહેવાસી છે અને જો શરતી જામીન આપવામાં આવે, તો ક્યાંય નાસી જાય તેમ નથી. જોકે કોર્ટે જામીનની શરતમાં આરોપીને ટ્રાયલ દરમિયાન હાજર રહેવાનું જણાવ્યું છે. કોર્ટે આરોપીને 15 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મુક્ત કર્યો છે.
આરોપી સામે 37 ગુના
સરકાર તરફથી વકીલે રજૂઆત કરી હતી કે આરોપીના કબજામાંથી દેશી તમંચો મળી આવ્યો હતો. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ આ પ્રકારના 37 ગુના દાખલ થઈ ચૂક્યા છે, જ્યારે 8 વાર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેથી આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવે.
અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી 17મી ઓગસ્ટથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીને કોર્ટે જામીન આપ્યા છે, જેથી અરજદાર-આરોપીને પણ પેરિટીનો લાભ આપવામાં આવે અને તેને જામીન પર મુક્ત કરવામાં આવે.
શું હતો કેસ?
આ સમગ્ર કેસની વિગત એવી છે કે 14મી ઓગસ્ટ 2025ના રોજ લઈક હુસૈન અંસારી, મહોમ્મદ કલીમ પઠાણ, સદ્દામ ખાન અને મુનાફ છીપાના કબજામાંથી પરમિટ વિનાના ગેરકાયદેસર હથિયાર મળી આવ્યા હતા. આરોપીઓના કબજામાંથી પોલીસને હાથ બનાવટના બે દેશી તમંચા, 4 નંગ ખાલી કારતુસ, જીવતા કારતુસ 1 નંગ અને 3 છરા મળી આવ્યા હતા. આ ગુનાના સંદર્ભમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફરિયાદ દાખલ કરી હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.