Ahmedabad News: વર્ષ 2020માં ઇસનપુર પોલીસ મથકે મૂળ સુરેન્દ્રનગરના પ્રકાશ દેસાણી સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય, અપહરણ, સરકારી અધિકારીની ખોટી ઓળખ જેવી કલમો અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 32 સાહેદ અને 33 પુરાવાને આધારે આરોપીને આજીવન કારાવાસની સજા અને આશરે કુલ ચાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ આરોપી કોલકાતાથી ઝડપાયો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
કેસને વિગતે જોતા એક વ્યક્તિ અને ભોગ બનનાર મહિલાને પ્રેમ સંબંધ હતો. ભોગ બનનાર મહિલા રીક્ષામાં લાંભા તરફ જઈ રહી હતી. ત્યારે તેની રીક્ષાને એક રિક્ષાએ રોકી હતી અને અંદર બેસેલા વ્યક્તિઓએ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમજ ચોરીના કેસમાં મહિલા ઉપર આક્ષેપ હોવાનું જણાવ્યું હતું. તેથી ગાયકવાડ હવેલી પોલીસ મથકે જવા મહિલાને રિક્ષામાં બેસવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓને ખોરાક આપવા સામે પ્રતિબંધ મૂકાયો
આરોપીઓએ મહિલાનું અપહરણ કર્યું હતું અને તેના પ્રેમી સાથે તેના જ ફોન પરથી વાત કરાવીને 30 હજાર રૂપિયા માંગ્યા હતા. બાદમાં પીડિતાનો ફોન બંધ કરી દીધો હતો. આથી મહિલાના પ્રેમીએ પોલીસને જાણ કરી હતી અને 10 હજાર રૂપિયા આરોપીઓએ કહેલા ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતા. છેવટે ભોગ બનનાર ગમે તેમ કરીને પોતાના ઘરે આવી હતી. ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને તેનું નિવેદન નોંધ્યું હતું.
પીડિતાના જણાવ્યાનુસાર, આરોપીઓએ રિક્ષામાંથી તેને એક ગાડીમાં લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ રસ્તા વચ્ચેથી દારૂની બોટલ લીધી હતી. ત્યારે ધોળકા પાસે આરોપીઓ મહિલાને એક નિર્જન સ્થળે લઈ ગયા હતા. જ્યાં તેની ઉપર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીઓ જ્યારે નશામાં હતા. તેનો લાભ લઈને ભોગ બનનાર ભાગી છૂટી હતી.
ઓળખ પરેડમાં ભોગ બનનાર મહિલાએ આરોપીઓને ઓળખી બતાવ્યો હતો. પોલીસે મુદ્દા માલ કબજે કર્યો હતો. ભોગ બનનારે એવું પણ જણાવ્યું હતું કે આરોપીઓ તેને રીક્ષામાં એક પોલીસ સ્ટેશનથી દૂર ઊભી રાખીને એક વ્યક્તિ પોલીસ મથકમાં પણ ગયો હતો. વળી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરતા પહેલા આરોપીઓએ તેને દારૂનું સેવન કરવા જણાવ્યું હતું. જેનો તેને ઇન્કાર કરતા તેને જબરજસ્તી દારૂનું સેવન પણ કરાવ્યું હતું.
ત્યારબાદ આરોપીઓએ મહિલાને કપડાં ઉતારવા કહ્યું હતું. પરંતુ મહિલાએ ના પાડતા બળજબરીથી તેના પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, તેમજ માર માર્યો હતો. આરોપીઓએ વધુ દારૂ પી લેતા તે નશામાં હતા, ત્યારે મહિલા ભાગી છુટી હતી. મહિલાને શરીરમાં દુ:ખાવો થતાં તે નજીકના આવેલા કેટલાક ઘરના લોકોનો સંપર્ક કર્યો હતો. જ્યાં બે મહિલાઓએ તેની મદદ કરી હતી. ત્યાંથી પોતાના ઘરે પહોંચી હતી અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આરોપી વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેને દલિત સમાજમાં લગ્ન કર્યા હોવાથી તેને નાત બહાર કરાયો હતો. તેના કાકા સસરા પોલીસ ઇન્સ્પેક્ટર હોવાથી તેને ફસાવવા માટે આ ખોટો કેસ ઊભો કરાયો છે. જો કે, અદાલતે આરોપીને આજીવન કરાવવાથી સજા અને આશરે 04 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


