Veggie Bill of Ahmedabad: અમદાવાદીઓ સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં શિરમોર ગણાતા જમ્મુ-કાશ્મીરથી માંડીને દક્ષિણમાં છેક તળિયે સમુદ્ર કિનારે આવેલા કેરળમાં ઉગતા શાકભાજી આરોગતા રહે છે. જો કે અત્યારે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, અને શિયાળામાં મળતાં તમામ પ્રકારના શાકભાજીના ભાવો પણ આસમાને પહોચ્યા છે ત્યારે એ જાણવું પણ ભારે રસપ્રદ થઈ પડશે કે ગુજરાતીઓ જે જે શાકભાજી આરોગે છે તે છેક ક્યાં ક્યાંથી આવે છે.
અમદાવાદીઓ અને આજુબાજુના લોકો જે વટાણા અને ફણસી આરોગે છે તે છેક જમ્મુ- કાશ્મીરથી આવે છે. તેવી જ રીતે આદુ, કાચી કેરી અને લીંબુ આરોગે છે તે કેરળ-આંધ્ર પ્રદેશ અને કર્ણાટકથી અમદાવાદમાં આવે છે. તેવી જ રીતે અમદાવાદીઓ જે દૂધી આરોગે છે તે છેક છત્તીસગઢથી આવે છે. જ્યારે કારેલા, કાકડી અને મરચાંં હરિયાણાથી અહીં આવે છે. તો હિમાચલથી પણ અહીં વટાણા અને ફણસી આવતી રહે છે.
તેવી જ રીતે સૂકી ડુંગળી, ગવાર, કોથમીર, લીલી ડુંગળી, સરગવો, વાલોર, તુરિયા, લીલી મગફળી, કોબીજ, ફૂલાવર, બીટ, શક્કરિયા, ટીંડા, ભોલર મરચાંં, કાકડી, મકાઈ, કોળું, કોથમીર અને ટામેટાં મહારાષ્ટ્રથી આવે છે. જ્યારે પંજાબથી બટાકા, દેશી મરચાંં અને ટામેટાં તથા કોથમીર આવતા રહે છે.
આ ઉપરાંત મધ્ય પ્રદેશથી શિંગોડા, ફૂદીનો, સૂકું લસણ, કારેલા, મકાઈ, લીંબુ, મકાઈના ભુટ્ટા, અળવી અને રીંગણ તથા સૂકી ડુંગળી આવતી રહે છે. રાજસ્થાનમાંથી સરગવો, ભુટ્ટા, ગવાર, મૂળા, સૂકું લસણ અને ગાજર તથા આંબળા આવતા હોય છે. રાજધાની દિલ્હીથી ટામેટાં, વટાણા, ફણસી, ગાજર અને ભોલર મરચાંં તેમજ કોબીજ અને ફૂલાવર આવે છે.
સ્થાનિક કક્ષાએથી ભાવનગરથી ડુંગળી, જામનગરથી મરચાંં અને દેશી મકાઈ, પોરબંદરથી કંકોડા, છોટા ઉદેપુરથી ભીંડા, કાકડી, કોલા, રીંગણ તેમજ બોટાદથી ભીંડા, ગવાર, ચોળી, સરગવો, લીંબુ, દૂધી, અને તુવેર આવે છે. વલસાડથી કાચી કેરી, લીલી હળદળ, કેળા, ટિંડોડા, પરવળ, સૂરણ અને રાજકોટથી કોથમીર, લીલી ડુંગળી, મેથી, લીલું લસણ તેમજ બીટ આવતું રહે છે.
જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ, હિંમતનગર અને ડીસા–પાલનપુર બાજુથી બટાકા, ગવાર, ચોળી, કારેલા, પાપડી, રીંગણ, રવૈયા, ગાજર, ભીંડા, દેશી મરચાંં અને કોળું, મોગરી, મેથી આવે છે. અમદાવાદ જિલ્લામાંથી સવા પાલક, તુરિયા, મેથી, તાંદરજો, ગલકા, તુવેર અને ટામેટાં આવે છે. નવસારીથી સૂરણ અને બોરસદથી કાચા પપૈયા અમદાવાદીઓ બારેમાસ આરોગતા રહે છે.
અમદાવાદીઓ વર્ષ દરમિયાન અઢી કરોડ કિલો આદુ ખાઈ જાય છે
અમદાવાદીઓ વર્ષના બાર મહિનામાં કુલ અઢી કરોડ કિલો કરતાં પણ વધુ આદુ ઝાપટી જાય છે, જ્યારે 23 કરોડ કિલો ડુંગળી અને 20 કરોડ કિલો કરતાં પણ વધુ વિવિધ પ્રકારના બટાકા આરોગી જાય છે. ઉપરાંત બે કરોડ કિલો જેટલું લસણ અને ચાર કરોડ કિલોથી પણ વધારે મરચાંં ખાઈ જાય છે.
અમદાવાદીઓ વર્ષ દરમિયાન ત્રણ હજાર કરોડના તો શાકભાજી ઝાપટી જાય છે
અમદાવાદની જમાલપુર ખાતેની મુખ્ય શાક માર્કેટમાં વર્ષ દરમિયાન સરેરાશ 2800થી ત્રણ હજાર કરોડની વિવિધ પ્રકારની શાકભાજીનું વેચાણ થતું રહે છે. અમદાવાદમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી જુદા જુદા પ્રકારના શાકભાજી આવતા રહે છે.


