Get The App

2027 સુધી અમદાવાદીઓને ટ્રાફિક નડશે! જૂના વાડજ, સારંગપુર, અસારવા બ્રિજ તૈયાર થતાં બે વર્ષ લાગશે

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
2027 સુધી અમદાવાદીઓને ટ્રાફિક નડશે! જૂના વાડજ, સારંગપુર, અસારવા બ્રિજ તૈયાર થતાં બે વર્ષ લાગશે 1 - image

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેક નવા બ્રિજ અને જૂના બ્રિજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટ્સને કારણે આગામી બે વર્ષ એટલે કે ડિસેમ્બર 2027 સુધી અમદાવાદીઓએ ટ્રાફિક જામ અને ઉબડખાબડ રસ્તાઓની સમસ્યાનો સામનો કરવો પડશે. અસારવા, સારંગપુર અને જૂના વાડજ જેવા મુખ્ય જંક્શનો પર હાલમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

કયા બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે?

મળતી માહીત અનુસાર, અમદાવાદમાં 330 કરોડ રૂપિયાના ખર્ચથી અસારવા ઉપરાંત સારંગપુર તથા જુનાવાડજ જંકશન ઉપર ફલાયઓવર બ્રિજ બનાવાની કામગીરી ચાલી રહી છે. અસારવા તથા સારંગપુર બ્રિજનુ રિકન્સ્ટ્રકશન થઈ રહ્યું છે. આ ઉપરાંત સુભાષ બ્રિજનુ સુપર સ્ટ્રકચર તોડી નવુ સુપર સ્ટ્રક્ચર બનાવવા 110 કરોડ રૂપિયા ખર્ચાશે. જીવરાજ મહેતા, નાથાલાલ ઝઘડા તેમજ ચંદ્રભાગા બ્રિજ ઉપર ત્રણ કરોડના ખર્ચે રીપેરીંગ ચાલી રહ્યું છે. જે 15 દિવસમાં પુરુ કરાશે. અલગ અલગ વિસ્તારમાં બની રહેલા ત્રણ નવા બ્રિજની કામગીરી ડિસેમ્બર 2027 સુધી ચાલશે. આ ઉપરાંત પણ અલગ અલગ વિસ્તારમાં બ્રિજની કામગીરી ચાલતી હોવાના કારણથી શહેરીજનોએ બે વર્ષ સુધી વિવિધ રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યા સહન કરવી પડશે.

અસારવા બ્રિજના રીકન્સ્ટ્રકશન માટે 89.83 કરોડ રૂપિયાના ખર્ચે એપીસી બિલ્ડકોન પ્રા.લી.ને કામગીરી આપવામા આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ બ્રિજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી જૂન 2027 સુધીમાં પુરી કરવાની છે. સારંગપુર રેલવે ઓવરબ્રિજનું 13.25 કરોડ રૂપિયાના ખર્ચે રિકન્સ્ટ્રકશન ચાલી રહ્યું છે. આ બ્રિજની કામગીરી પૈકી એપ્રોચ પોર્શનની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાવામા આવી રહી છે. સારંગપુર બ્રિજની કામગીરી પુરી થયા પછી કાલુપુર બ્રિજના રિકન્સ્ટ્રકશનની કામગીરી શરૂ કરવામા આવશે.

2027 સુધી અમદાવાદીઓને ટ્રાફિક નડશે! જૂના વાડજ, સારંગપુર, અસારવા બ્રિજ તૈયાર થતાં બે વર્ષ લાગશે 2 - image

જુનાવાડજ જંકશન ઉપર 128 કરોડ રૂપિયાના ખર્ચથી ફલાયઓવર બ્રિજ બનાવવા રચના કન્સ્ટ્રકશનને કામગીરી અપાઈ છે. મે 2026 સુધીમાં આ ફલાયઓવર બ્રિજની કામગીરી પુરી કરવા કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન તરફથી તાકીદ કરવામા આવી છે. હાલની પરિસ્થિતિમાં શહેરમાં જે સ્થળે બ્રિજ બનાવાની કામગીરી ચાલી રહી છે. તેને કનેક્ટ થતા એપ્રોચ રસ્તાઓ એટલી ખરાબ હાલતમાં છે કે વાહન ચાલકોને ઉબડખાબડ રસ્તા ઉપરથીવાહન લઈને પસાર થવુ પડે છે. લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે બ્રિજ પ્રોજેકટ વિભાગનુ ધ્યાન હજુ સુધી પડયુ નથી.

વાયએમસીએ આસપાસ પણ  સતત ટ્રાફિક જામની સ્થિતિ

નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા વાયએમસીએ નજીક ફલાયઓવર બ્રિજ બનાવામા આવી રહ્યો છે. બ્રિજની કામગીરીને કારણે વાયએમસીએથી કર્ણાવતી કલબ તરફનો રસ્તો બંધ કરી ડાઈવર્ઝન અપાયુ છે. આ બ્રિજની કામગીરીને લઈને આ રોડ ઉપર પણ લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને પીક અવર્સમાં લોકો ટ્રાફિક જામને લઈ ત્રસ્ત બની જાય છે.

ઈન્કમ ટેક્સ ફલાયઓવર ઉપર જોઈન્ટના સ્ક્રૂ ખુલી ગયા

વર્ષ 2019માં 65  કરોડ રૂપિયાના ખર્ચથી બનાવાયેલા ઈન્કમટેક્સ ફલાયઓવર બ્રિજ ઉપર ફિંગર ટાઈપ એકસ્પાન્શન જોઈન્ટના બોલ્ટ લુઝ થવાથી જોઈન્ટ ખુલી ગયા હતા.એકસપાન્શન જોઈન્ટના રીપેરીંગ, લુઝ બોલ્ટ બદલવા, એકસપાન્શન જોઈન્ટને એપોકસી  તથા માઈક્રો કોન્ક્રીટ દ્વારા રીપેર કરવા બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર રણજીત બિલ્ડકોનના ડીફેકટ લાયાબીલીટી પિરીયડમાં બ્રિજ આવતો હોવાથી તેની પાસે કરાવાઈ છે.