Get The App

AIના યુગમાં અંધશ્રદ્ધા? મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
AIના યુગમાં અંધશ્રદ્ધા? મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ 1 - image


Ahmedabad News: એક તરફ રાજ્ય સરકાર અંધશ્રદ્ધા રોકવા માટે સક્રિય પગલાં લઈ રહી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે દાણા જોવડાવવા પહોંચ્યા હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે.

શું છે સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડિંગના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેમાં જૂના બિલ્ડિંગને તોડીને નવું બાંધકામ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર ખસેડવાની જરૂર પડી શકે તેમ છે. જોકે, સ્થાનિક લોકો આ મંદિરને ખસેડવાનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન, એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષી આ મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે માતાજીની 'રજા' લેવા માટે દાણા જોવડાવવા પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મંદિરના પૂજારી ધૂણતા-ધૂણતા મંદિર ન ખસેડવા માટે 'ના' પાડતા જોવા મળે છે. AIના આધુનિક યુગમાં, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટરે દાણા જોવડાવ્યા હોવાના દાવાની આ ઘટનાએ વ્યાપક ચર્ચા જગાવી છે.

નવા પ્રોજેક્ટની વાત કરવા માટે મંદિરે ગયો હતો: રાકેશ જોષી

સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, 'સિવિલ હોસ્પિટલમાં આવેલા મંદિર સાથે ઘણા બધા લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે નવા પ્રોજેક્ટને લઈને શાંતિપૂર્વક નિરાકરણ લાવવા માટે હું રવિવારે દર્શન માટે અને વાત કરવા માટે ગયો હતો. આ દરમિયાન મેં તેમને સમગ્ર પ્રોજેક્ટ અંગે સમજણ આપી હતી. તેમને મેં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં નવા પ્રોજેક્ટ બાદ કેટલા બેડ તૈયાર થશે અને આઈસીયુ તૈયાર થશે. જેમાં ગરીબ દર્દીઓને લાભ મળશે. સાથે મળીને નિરાકરણ લાવવું જોઈએ, તે માટે મળવા ગયો હતો. પ્રોજેક્ટ પણ કઈ રીતે આગળ વધારવો અને આસ્થા પણ જળવાઈ રહે તે માટે મંદિરે ગયો હતો.'

આ પણ વાંચો: જામનગરના વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર

'દાણા જોવા તે અંધશ્રદ્ધા ન કહેવાય': પૂજારીની સ્પષ્ટતા

રાકેશ જોષીનો વીડિયો વાયરલ થયા બાદ ખોડિયાર મંદિરના પૂજારી સંદીપ દવેએ આ મામલે સ્પષ્ટતા કરી છે. પૂજારી સંદીપ દવેએ જણાવ્યું કે, "આ મંદિર હટાવવા મુદ્દે સુપરિન્ટેન્ડેન્ટ વાતચીત માટે આવ્યા હતા. અને મંદિરમાં પરંપરાગત મુજબ અમે દાણા જોવડાવ્યા હતા, પરંતુ માતાજીએ રજા આપી નથી. માતાજીએ કહ્યું કે આ જગ્યા છોડી કામ શરૂ કરી દો, તમારું કામ થઈ જશે. સુપરિન્ટેન્ડેન્ટ અંધશ્રદ્ધાને લઈને આવ્યા ન હતા. અમારે ત્યાં દાણા જોવા તે અંધશ્રદ્ધા ન કહેવાય."


Tags :