અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયા

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલનું પાર્કિંગ ફરી એકવાર ચકચારનું કેન્દ્ર બન્યું છે. હોસ્પિટલના પાર્કિંગમાં જ યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરીને તેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવતાં વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. શાહીબાગ પોલીસે આ કેસમાં ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા ભાવેશ, મેહુલ અને કરણ નામના ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે.
'ચાલીમાં કેમ આવ્યો' કહીને કર્યો હુમલો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં સુરેશ ઉર્ફે કાચા ભીલ નામના યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ ભાવેશ, મેહુલ અને કરણ નામના ત્રણ શખસોએ સુરેશને રોક્યો હતો અને તેને 'ચાલીમાં કેમ આવ્યો?' તેમ કહીને ધમકાવ્યો હતો. આ બોલાચાલી બાદ ત્રણેય હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે સુરેશ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
હત્યાની જાણ થતાં જ શાહીબાગ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ ઘાતકી કૃત્ય આચરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે.