Gujarat

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે 5 મહિનાના માસૂમ બાળકનો જીવ બચાવીને ફરી એકવાર તેમની ઉત્કૃષ્ટ તબીબી સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમતમાં બટન સેલ (બેટરી) ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું, પરંતુ હોસ્પિટલની ટીમે ત્વરિત અને જટિલ પ્રક્રિયા દ્વારા બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો

Ahmedabad News: અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે 5 મહિનાના માસૂમ બાળકનો જીવ બચાવીને ફરી એકવાર તેમની ઉત્કૃષ્ટ તબીબી સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમતમાં બટન સેલ (બેટરી) ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું, પરંતુ હોસ્પિટલની ટીમે ત્વરિત અને જટિલ પ્રક્રિયા દ્વારા બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો હતો.

તાત્કાલિક સારવાર થકી ૫ માસનો 'અયાન' મોતના મુખમાંથી બહાર આવ્યો

અમદાવાદના રહેવાસી  રાઘવભાઈના 5 મહિનાના બાળક અયાનને છેલ્લા કેટલાક દિવસોથી સતત ખાંસી આવતી હતી. ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે કરાવતા અન્નનળીમાં ગોળાકાર ફોરેન બોડી ફસાયેલી હોવાનું સામે આવ્યું હતું. માતા-પિતાને બાળક નાના બટન સેલથી રમતો હોવાનું યાદ આવતા, તેઓ બાળકને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

બાળકની સ્થિતિ જોઈને સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગ અને બાળરોગ સર્જરી વિભાગે ત્વરિત પગલાં લીધા હતા. બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીના માર્ગદર્શન હેઠળ, ડૉ. નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે તાત્કાલિક ધોરણે બાળકની એન્ડોસ્કોપીની પ્રક્રિયા હાથ ધરી હતી.

ડોક્ટરોએ બેટરીના કેમિકલનું ગંભીર જોખમ નિવાર્યું

એન્ડોસ્કોપી દરમિયાન અન્નનળીના ઉપરના ભાગમાં ફસાયેલો બટન સેલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. આ બેટરીના કેમિકલના કારણે બાળકની અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા (Ulcers) પડી ગયા હતા. સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ આ કિસ્સાની ગંભીરતા જણાવતા કહ્યું કે, 'સમયસર સેલ દૂર ન થયો હોત તો બેટરીના કેમિકલથી અન્નનળીમાં છિદ્ર (Perforation) થવાની અને બાળકની સ્થિતિ અત્યંત ગંભીર થવાની શક્યતા હતી. એક અંગત હોસ્પિટલમાંથી તાત્કાલિક સિવિલમાં બાળકને લાવવામાં આવતા અને ડોક્ટરોની ટીમે જટિલ મેનેજમેન્ટ અને સર્જિકલ પ્રક્રિયા દ્વારા આ જોખમ ટાળવામાં સફળતા મેળવી.'

બાળક સંપૂર્ણ સ્વસ્થતા તરફ 

સફળ ઓપરેશન બાદ બાળકને ચાંદા રુઝાવવા માટેની જરૂરી દવાઓ સાથે રજા આપવામાં આવી. 15 દિવસ પછી ફોલો-અપ એન્ડોસ્કોપીમાં અન્નનળીની દીવાલ સંપૂર્ણપણે સામાન્ય જણાતા બાળકને મોઢેથી ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. બાળક અયાન હવે કોઈપણ તકલીફ વિના પહેલાની જેમ ખોરાક લઈ શકે છે.

વાલીઓને ડૉક્ટરની અપીલ

વાલીઓને અપીલ કરતા ડૉ. જોષી જણાવે છે કે નાના બાળકોમાં શ્વાસનળી અને અન્નનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર આવતા હોય છે, તેથી બાળક રમતું હોય ત્યારે ઘરના એક સભ્યએ સતત નજર રાખવી ખૂબ જ જરૂરી છે અને નાની બેટરી, સિક્કા કે રમકડાંના નાના ભાગો તેમની પહોંચથી દૂર રાખવા જોઈએ.