Ahmedabad Accident: બાવળા તાલુકાના ઝેકડા રોડ પર મોડી રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ઘરે જઈ રહેલા એક આશાસ્પદ યુવાનની કાર અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ સાઈડના તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કાર પાણીમાં ગરકાવ થઈ જતા યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે.
સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, પ્રકાશ મહેરિયા નામનો યુવાન મોડી રાત્રે પોતાની કાર લઈને ઝેકડા ગામે સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ઝેકડા રોડ પર અચાનક કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડની બાજુમાં આવેલા પાણીથી છલોછલ તળાવમાં ખાબકી હતી. કાર ઊંડા પાણીમાં ઉતરી જતાં પ્રકાશ મહેરિયા બહાર નીકળી શક્યો ન હતો અને કારની સાથે જ પાણીમાં ડૂબી ગયો હતો.
સ્થાનિકોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
અકસ્માત સર્જાતા જ આજુબાજુથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક દોરડાની મદદથી ભારે જહેમત બાદ કાર અને યુવાનને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. જોકે, કમનસીબે પ્રકાશ મહેરિયાને બહાર કાઢવામાં આવે ત્યાં સુધીમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. રાત્રિના અંધારામાં આ અકસ્માત કયા કારણોસર સર્જાયો, શું તે ગાઢ ધુમ્મસ, પૂરપાટ ઝડપ કે અન્ય કોઈ કારણ હતું, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ઝેકડા ગામ અને મૃતક યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


