Cyber Fraud News: અમદાવાદમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં નરોડા વિસ્તારમાં રહેતા એક વેપારીને વીમા કંપનીના કર્મચારી હોવાનું કહી, બંધ પોલિસી ફરી શરૂ કરવાના બહાને 23.08 લાખનો ચૂનો લગાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઠગ ટોળકીએ ત્રણ વર્ષના ગાળામાં કુલ 219 ટ્રાન્જેક્શન કરાવી આ રકમ પડાવી લીધી હતી.
10 લાખના વળતરની લાલચ
નરોડા જીઆઈડીસીમાં ગ્રાઇન્ડિંગ પોલિશિંગનો વ્યવસાય કરતા અમરસિંહ વાઘેલાએ વર્ષ 2019માં એક્સાઈડ લાઈફ ઈન્શ્યોરન્સની એક પોલિસી લીધી હતી. કોરોનાકાળ દરમિયાન આર્થિક મુશ્કેલીને કારણે તેઓ પ્રીમિયમ ભરી શક્યા નહોતા, જેને પરિણામે પોલિસી બંધ થઈ ગઈ હતી. ઓગસ્ટ 2022માં હિમાંશુ રાજપૂત નામના વ્યક્તિએ તેમને ફોન કર્યો અને પોતે વીમા કંપનીનો કર્મચારી હોવાની ઓળખ આપી. તેણે લાલચ આપી હતી કે જો તેઓ બાકી પ્રીમિયમ અને દંડ પેટે 56,000 ભરશે, તો વર્ષ 2025 સુધીમાં તેમને 10 લાખનું વળતર મળશે.
23 લાખ પડાવ્યા
સાયબર ઠગે શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે ઠગોએ માત્ર 1 રૂપિયો UPI દ્વારા ટ્રાન્સફર કરાવ્યો હતો. વેપારી પાસે કોઈ રસીદ આપ્યા વગર ટુકડે-ટુકડે 219 વખત નાણાં ટ્રાન્સફર કરાવી કુલ 23,08,000 પડાવી લીધા.
જ્યારે વેપારીએ વળતરની માંગણી કરી અને સામેથી કોઈ પ્રતિસાદ ન મળ્યો, ત્યારે તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો. આ મામલે અમરસિંહ વાઘેલાએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


