Gujarat

જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી

By GS TEAM
4 Mar 20261 min read
જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી

નળસરોવર પોલીસ મથકે ચાર સામે ફરિયાદ

બાવળાના દુર્ગી ગામના શખ્સોએ ઝાપ ગામમાં જમીન બતાવી રૃપિયા પડાવ્યા બાદ દસ્તાવેજ ન કરી આપ્યો

બાવળા - અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ જવાહરલાલ નેનાણી સાથે જમીન રોકાણના બહાને લાખો રૃપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. વર્ષ ૨૦૨૪માં ફરિયાદી દુર્ગી ગામના રાજેશ પઢાર અને ગગુભાઈ પઢારના સંપર્કમાં આવ્યા હતા.

આરોપીઓએ ઝાપ ગામની સીમમાં સર્વે નંબર ૪૮૮ પૈકીની બિનખેતી જમીન બતાવી વિશ્વાસમાં લીધા હતા. ફરિયાદીએ જમીન પેટે અલગ-અલગ ખાતાઓમાં અને રોકડ મળી કુલ રૃપિયા ૨૮,૨૫,૦૦૦નું રોકાણ કર્યું હતું.

વારંવાર રજૂઆત કરવા છતાં આરોપીઓએ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો કે નાણાં પરત કર્યા નહોતા. ઉલટાનું, બીજાની જમીન બતાવી છેતરપિંડી આચરી હોવાનું જણાતા રાજેશભાઈએ નળસરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે રાજેશ દેવશીભાઈ પઢાર, ગગુભાઈ દેવશીભાઈ પઢાર, દાનુભાઈ ગોરધનભાઈ પઢાર, રમીલાબેન વાલજીભાઈ પઢાર (તમામ રહે. દુર્ગી) વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.