Gujarat

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખંખેર્યા

By GS TEAM
26 Mar 20262 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરવી અમદાવાદી વેપારીને ભારે પડી છે. સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલી એક કથિત બિલ્ડર યુવતીએ ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી વેજલપુરના એક વેપારી સાથે 90.45 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખંખેર્યા

Forex Trading Scam In Ahmedabad: સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરવી અમદાવાદી વેપારીને ભારે પડી છે. સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલી એક કથિત બિલ્ડર યુવતીએ ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી વેજલપુરના એક વેપારી સાથે 90.45 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે.

સોશિયલ મીડિયા દ્વારા ફ્રેન્ડશિપ અને વિશ્વાસની જાળ

મળતી માહિતી અનુસાર, વેજલપુર વિસ્તારમાં સિક્યોરિટી એજન્સી ચલાવતા વેપારી સોશિયલ મીડિયાના માધ્યમથી કોમલ મહેતા નામની યુવતીના સંપર્કમાં આવ્યા હતા. વાતચીત દરમિયાન યુવતીએ પોતાની ઓળખ એક સફળ બિલ્ડર તરીકે આપી હતી. તેણે દાવો કર્યો હતો કે તે ફોરેક્સ ટ્રેડિંગ દ્વારા લાખોની કમાણી કરે છે. વેપારીને વિશ્વાસમાં લેવા માટે તેણે રોકાણ પર અનેકગણા નફાની લાલચ આપી હતી.

યુવતીની વાતોમાં આવી ગયેલા વેપારીએ તેણે મોકલેલી લિંક દ્વારા એક વેબસાઈટ પર એકાઉન્ટ ખોલાવ્યું હતું. વેપારીએ શરૂઆતમાં 50,000 રૂપિયા રોક્યા, જેના પર 5,000 રૂપિયાનો નફો થયો અને તે રકમ પરત પણ મળી. આથી વેપારીને સ્કીમ સાચી લાગી.પૂરો ભરોસો બેસી જતાં વેપારીએ વધુ કમાણીની લાલચમાં કટકે-કટકે કુલ 93 લાખ રૂપિયા ટેલિગ્રામ પર આપવામાં આવેલા અલગ-અલગ બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા. વેબસાઈટના ડેશબોર્ડ પર આ રકમ જમા થયેલી દેખાતી હોવાથી વેપારીને છેક સુધી શંકા ગઈ નહોતી.

આ પણ વાંચો: સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું

પૈસા ઉપાડવા જતાં ફૂટ્યો ભાંડો

જ્યારે વેપારીએ પોતાની મોટી રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે માત્ર 2.55 લાખ રૂપિયા જ પરત આવ્યા હતા. બાકીના 90.45 લાખ રૂપિયા ઉપાડવા માટે ટેકનિકલ સમસ્યાઓ અને વધુ પ્રોસેસિંગ ફીના બહાના હેઠળ રોકી દેવામાં આવ્યા હતા. છેવટે સંપર્ક કપાઈ જતાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

પોલીસ તપાસ તેજ

વેપારીએ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને જે બેન્ક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેની વિગતો મેળવી છે. આ ટોળકીમાં 'કોમલ મહેતા' નામની યુવતી સિવાય અન્ય કોણ સામેલ છે અને આ કોઈ આંતરરાજ્ય ગેંગનું કારસ્તાન છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.