અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર આગ લાગતા અફરાતફરી, મુસાફરોનો આબાદ બચાવ; વીડિયો વાયરલ
અમદાવાદ, 16 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર એકાએક આગ લાગી હતી. આ ઘટના આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ બની હતી. જ્યાં બસના એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બસ RTOથી મણિનગર જઈ રહી હતી. બીઆરટીએસ બસ સ્ટોપ થઈ હતી એ દરમિયાન બસ બંધ પડી અને અચાનક એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેથી ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસના દરવાજા ખોલી તમામ પેસેન્જરને બહાર નીકળવા માટે કહ્યું હતું.
મેમનગર BRTS બસમાં આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જે બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે.
25 પેસેન્જરોનો જીવ બચ્યો
આ બસમાં આગ લાગી ત્યારે 25 જેટલા પેસેન્જર બીઆરટીએસ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.