દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું
શહેરના ૨૫ હજાર કેમેરા કંટ્રોલ રૂમ સાથે કનેક્ટેડ
લોકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા સહિતના વિવિધ બાબતો અંગેે દેશના ૨૬૩ શહેરોમાં સર્વે કરાયો હતો
અમદાવાદ,બુધવાર
વિશ્વની જાણીતી સર્વેે કંપની દ્વારા ભારતમાં કરવામાં આવેલા સર્વેમાં અમદાવાદ શહેરને દેશના સૌથી સુરક્ષિત શહેરમાં પ્રથમ સ્થાન મળ્યું છે. પ્રથમ ૧૦ શહેરોમાં મુંબઇ સાતમાં ક્રમાંકે આવ્યું છે. કંપનીએ લોકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દાઓને આધારે ડેટાબેઝ કરીને આ સર્વે કરાયો હતો.
સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાના અનુસંધાનમાં સૌથી સુરક્ષિત શહેરમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. સેફ્ટી ઇન્ડેક્ષમાં અમદાવાદને ૧૦૦માં ૬૮.૩ પોઇન્ટ મળ્યા હતા. આ સર્વેમાં કાયદો અને વ્યવસ્થા, ગુના નિવારણનો દર, સીસીટીવી નેટવર્ક, મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર દેશનું એક માત્ર શહેર છે કે જેના ૨૫ હજાર કેમેરા પોલીસ કંટ્રોલરૂમ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત, જે તે પોલીસ સ્ટેશનની હદના વિસ્તારના કેમેરાથી પોલીસ સ્ટેશન સાથે કનેક્ટ કરાયા છે. જેના કારણે ગુનાખોરી અટકાવવામાં નોંધનીય સફળતા મળી છે. આ ઉપરાંત, મહિલાઓ માટેના સુરક્ષાના મુદ્દે અમદાવાદ શહેરને સૌથી વધુ ક્રમાંક પ્રાપ્ત થયા હતા. દેશના બાકીના શહેરોમાં સેફ્ટી ઇન્ડેક્ષની વાત કરીએ તો જયપુર (૬૫.૧ પોઇન્ટ),કોઇમ્બતુર (૬૧.૭ ), ચૈન્નાઇ (૬૦.૩), પુને (૫૮.૯),હૈદરાબાદ (૫૬.૯),મુંબઇ (૫૫.૭),કોલકત્તા (૫૩.૫),ગુડગાંવ (૪૬.૪), બેંગાલુરૂ (૪૫.૮), નોઇડા (૪૪.૮) અને દિલ્હી (૪૦.૯) સાથે ૧૨ ક્રમે આવ્યું છે.