ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Illegal Sand Mining Ahmedabad: ગુજરાતમાં સરકારી તંત્ર અને કાયદાને ઘોળીને પીજનારા ખનિજ માફિયાઓ પર આખરે તંત્રની તવાઈ શરૂ થઈ છે. ધોળકાના વીરપુર ગામે ગેરકાયદે ખનનનો પર્દાફાશ કર્યા બાદ, અમદાવાદ ખાણ-ખનિજ વિભાગની ટીમે હવે બાવળા તાલુકાના શિયાળ ગામમાં દરોડા પાડ્યા છે. અહીં કોઈપણ પ્રકારની મંજૂરી વિના બેફામ રીતે સાદી માટીનું ગેરકાયદે ખોદકામ અને હેરાફેરી કરવામાં આવી રહી હતી. ખનિજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમે આકસ્મિક રેડ પાડીને ઘટનાસ્થળેથી એક હિટાચી (એક્સકેવેટર) મશીન અને બે ડમ્પર (નંબર: GJ13AT0767 અને GJ13AT1183) કબજે કર્યા છે. સીઝ કરાયેલા આ તમામ વાહનોની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.
ગુજરાતમાં ખનિજ માફિયાઓ બેફામ
પરંતુ, આ સમગ્ર કૌભાંડ સામે આવતા જ સ્થાનિક તંત્ર અને સરકારી બાબુઓની મિલીભગત સામે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ખનિજ માફિયાઓ રાતોરાત આટલા મોટા પાયે હિટાચીઅને ડમ્પરો લાવીને જમીન ખોદી નાખે, ત્યાં સુધી સ્થાનિક વહીવટ તંત્ર અને પોલીસ ઊંઘતી ઝડપાય તે કેવી રીતે શક્ય બને? શું આ માફિયાઓને કોઈ રાજકીય આશીર્વાદ પ્રાપ્ત છે? કે પછી સ્થાનિક અધિકારીઓની રહેમનજર હેઠળ જ આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો?
જાગૃત નાગરિકો દાવો કરી રહ્યા છે કે ખાણ-ખનિજ વિભાગે તો માત્ર એક જગ્યાએ દરોડા પાડયા છે પણ આવા કેટલાય સ્થળોએ માટી ચોરી થઈ રહી હશે તેની જવાબદારી કોની?
ઘણી વખત દંડ ભરીને છૂટી જતાં ખનીજચોરો નવો વિસ્તાર શોધી લે છે!
હાલ પૂરતું તો ખનિજ વિભાગની આ આકસ્મિક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે અને માફિયાઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી છે.
પરંતુ પ્રજામાં ચર્ચા છે કે, માત્ર દંડ ભરીને છૂટી જતા આ માફિયાઓ થોડા દિવસ શાંત રહીને ફરી નવો વિસ્તાર પકડી લેશે. જો સરકાર ખરેખર કુદરતી સંપત્તિની ચોરી રોકવા માંગતી હોય, તો માત્ર વાહનો સીઝ કરવાના બદલે આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને તેમને છાવરતા સરકારી અધિકારીઓ સામે કડકમાં કડક ફોજદારી ગુનો નોંધી જેલભેગા કરવા જોઈએ.








