અમદાવાદના બાપુનગરમાં ગુજરાતના સૌથી મોટા પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત, પહેલા જ દિવસે 600 અરજી
Passport Seva Kendra Ahmedabad: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સોમવારે (7 જુલાઇ) ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, હવે પાસપોર્ટ અરજદારો માટે પ્રક્રિયાને વધુ ઝડપી અને સુવિધાજનક બની જશે. આ નવું કેન્દ્ર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને રાજ્યભરના અરજદારોને સેવા આપવા સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે મીઠાખળીમાં આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અગવડતા પડતી હોવાથી અને સ્થાનિક રહેવાસીઓની વધતી માંગને પહોંચી વળવા માટે કેન્દ્રને શહેરના પૂર્વ ભાગમાં ખસેડવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા પાસપોર્ટ કેન્દ્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે 600 લોકોને પાસપોર્ટ માટે એપોઇમેન્ટ આપવામાં આવી હતી. અહીં 3 વિંગમાં અલગ-અલગ 36 કાઉન્ટ બનાવવામાં આવ્યા છે. આ સેવા કેન્દ્રમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સિસ્ટમ, ફિંગરપ્રિન્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા દ્વારા અરજદારોનો સમય બચશે. આ કેન્દ્રમાં અરજદારો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પણ વાંચો: આણંદ અને પંચમહાલમાં મેઘરાજાની તોફાની ઇનિંગ, જાણો 24 કલાકમાં ગુજરાતમાં કેટલો ખાબક્યો વરસાદ
સત્તાવાર લોન્ચિંગ પહેલા રવિવારે અરજદારો સાથે ટ્રાયલ રન પણ કરવામાં આવ્યો હતો. અપગ્રેડેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, આ કેન્દ્ર આગામી દિવસોમાં દરરોજ 800થી વધુ અરજીઓનું નિકાલ કરી શકાશે તેવી અપેક્ષા છે. આ પહેલથી ગુજરાતના નાગરિકોને પાસપોર્ટ સંબંધિત સેવાઓ મેળવવામાં નોંધપાત્ર રાહત મળશે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોના લોકોને આ કેન્દ્ર શરૂ થવાથી પાસપોર્ટ કચેરી પરનો ભાર પણ ઘટશે અને સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે.