Get The App

અમદાવાદમાં કાળી ચૌદશની રાત્રે ખૂની ખેલઃ અનૈતિક સંબંધોની શંકાએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં કાળી ચૌદશની રાત્રે ખૂની ખેલઃ અનૈતિક સંબંધોની શંકાએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો 1 - image


Ahmedabad Crime News: અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં કાળી ચૌદશની રાત્રે એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે. અનૈતિક સંબંધોની શંકા રાખીને એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. પતિએ પોતાની પત્નીને ઘરમાં અન્ય પુરુષ સાથે જોઇ જતાં આવેશમાં આવીને યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક ગોપાલ મણિનગર ખાતે કેએફસી (KFC)માં મેનેજર તરીકે નોકરી કરતો હતો. આરોપી વિનોદ મલ્હાની પત્ની નેહા અને ગોપાલ એકસાથે નોકરી કરતા હોવાથી બંને સારા મિત્રો હતા. જોકે, આ મિત્રતા પર વિનોદને અનૈતિક સંબંધોની શંકા હતી.

ઘટના કાળી ચૌદશની રાત્રે બની હતી, જ્યારે ગોપાલ અને નેહા ઘરે બેસીને વાતો કરી રહ્યા હતા. તે જ સમયે એકાએક વિનોદ ત્યાં આવી પહોંચ્યો હતો. ગોપાલ અને નેહાને વાત કરતાં જોઇ જતાં વિનોદ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે ગોપાલ સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી.

નેહાએ વિનોદને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આવેશમાં આવેલા વિનોદે રસોડામાંથી છરી લાવીને ગોપાલ પર ઉપરા-છાપરી ઘા ઝીંક્યા હતા. ગોપાલને ગળાના ભાગે તેમજ પીઠ પર છરીના ગંભીર ઘા વાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘાતકી હુમલો કર્યા બાદ આરોપી વિનોદ મલ્હા ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. નેહાની બુમાબુમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગોપાલની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે મૃતક ગોપાલની બહેન મોનીકાની ફરિયાદના આધારે આરોપી વિનોદ મલ્હા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :