અમદાવાદ એરપોર્ટ પરથી ₹60 લાખનું સોનું ઝડપાયું, આઇડિયા જોઇને મગજ ભમી જશે
Sardar Vallabhbhai Patel International Airport : સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ શનિવારે દુબઈથી આવેલા એક ભારતીય નાગરિકને અટકાવ્યો હતો અને તેના કપડામાં છુપાવેલું લગભગ અડધો કિલોગ્રામ સોનાનો પાઉડર જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹59.7 લાખ આંકવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા આપવામાં આવેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. આ મુસાફર દુબઈથી એમિરેટ્સની ફ્લાઇટ EK540 માં અમદાવાદ આવ્યો હતો.
એક વરિષ્ઠ કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું કે, 'ડીઆરઆઈ તરફથી મળેલી માહિતીના આધારે અમારા અધિકારીઓએ વોચ ગોઠવી હતી અને મુસાફરના આગમન બાદ તરત જ તેને અટકાવ્યો હતો. તેના સામાનની અને અંગત તલાશીની વિગતવાર તપાસમાં અસામાન્ય રીતે છુપાવેલું સોનું મળી આવ્યું હતું.'
જીન્સના બે લેયર વચ્ચે છુપાવ્યો હતો સોનાનો પાઉડર
તપાસ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને મુસાફરે પહેરેલા જીન્સના નીચેના ભાગમાં કાપડના બે સ્તરો વચ્ચે સોનાનો પાઉડર અથવા પેસ્ટના રૂપમાં છુપાવેલો માલ મળી આવ્યો હતો. ત્યારબાદ છુપાવેલા આ પદાર્થ પર પ્રક્રિયા કરીને તેને 491.4 ગ્રામ વજનના શુદ્ધ 24-કેરેટ સોનામાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.
જપ્ત કરાયેલા સોનાનું ખુલ્લા બજારમાં મૂલ્ય ₹59.70 લાખ અને ટેરિફ મૂલ્ય મુજબ ₹54.26 લાખ આંકવામાં આવ્યું છે. આ દાણચોરીનો માલ કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે દાણચોરીનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. દાણચોરો બચવા માટે અવનવીપદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને કપડાં અથવા અંગત વસ્તુઓમાં સોનાને પેસ્ટના રૂપમાં છુપાવે છે. મુસાફર દુબઈ અને અમદાવાદ વચ્ચે કાર્યરત કોઈ મોટા દાણચોરી સિન્ડિકેટ વતી કામ કરી રહ્યો હતો કે કેમ તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.