વિઝા કન્સલ્ટન્ટ સાથે અમદાવાદના એજન્ટની ૧.૨ કરોડની છેતરપિંડી
૧૦ ક્લાયન્ટ માટે જોબ સાથેના પી.આર અપાવવાનું કહી
એજન્ટે બનાવટી દસ્તાવેજો મોકલી આપ્યા ઃ આપેલા ચેક પણ બાઉન્સ થતા ઇન્ફોસિટી પોલીસમાં ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી કન્સલ્ટન્સીના ૧૦ જેટલા ક્લાઈન્ટને જોબ સાથેના પી.આર અપાવવાનું કહીને અમદાવાદના એજન્ટ દ્વારા ૧.૨ કરોડ રૃપિયા લઇ બનાવટી દસ્તાવેજો મોકલી આપવામાં આવ્યા હતા. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હાલમાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ વખતે વિઝા કન્સલ્ટન્સી સાથે જ અમદાવાદના એજન્ટ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસે સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બોરીસણા ખાતે રહેતા અને સરગાસણમાં આવેલી મેડ ઇઝી ઓવરસીઝના માલિક ડીકેસ દીપકભાઈ ખમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ઓસ્ટ્રેલિયા યુએસએ અને કેનેડામાં જોબ સાથેના પી.આર વિઝા કરી આપવાના કામ કરતા અમદાવાદના ઉર્જીત સત્ચીત ક્વીનો મિત્ર મારફતે સંપર્ક થયો હતો અને ડીકેશભાઈ તેમના ૧૦ જેટલા ક્લાઈન્ટનું જોબ સાથે પી.આર વિઝા આપવાનું કામ ઉજતને આપ્યું હતું. આ એજન્ટ દ્વારા ટુકડે ટુકડે ૧.૨ કરોડ રૃપિયા જેટલી રકમ મેળવી લેવામાં આવી હતી અને ત્યારબાદ ઉર્જીત ક્વીએ વિઝા, ડિપ્લોમા ડિગ્રી, સ્પોન્સર લેટર, પી.આર. કાર્ડ અને અન્ય દસ્તાવેજો મોકલ્યા હતા, જેની ચકાસણી કરતા તે નકલી હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતે ઉર્જીત સાથે વાત કરતા તેણે ડીકેશભાઈ સાથે ખરાબ વર્તન કર્યું અને ફાઇલો પરત આપી દીધી. પૈસા પરત આપવાના બદલે, તેણે આપેલા ૧૦ ચેક બાઉન્સ થયા, અને ત્યારબાદ ફરીથી આપેલા ૧૪ ચેક પણ બાઉન્સ થયા હતા. જેથી તેમને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને જેના પગલે અમદાવાદ જગતપુરના રહેવાસી ઉર્જીત સત્ચીત ક્વી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.