Gujarat

અમદાવાદમાં મધરાતે ગમખ્વાર અકસ્માત: શ્રમિક પરિવારના છાપરામાં કાર ઘૂસી, 4 ઈજાગ્રસ્ત

By GS TEAM
16 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં દિવસેને દિવસે ‘હિટ એન્ડ રન’ અને અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં જાણે અકસ્માતોની વણઝાર લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ફોર વ્હીલર ચાલકો બેફામ બનીને ડ્રાઈવિંગ કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે. આવો જ એક બનાવ રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં મધરાતે ગમખ્વાર અકસ્માત: શ્રમિક પરિવારના છાપરામાં કાર ઘૂસી, 4 ઈજાગ્રસ્ત

Ahmedabad Accident News: અમદાવાદના રામોલ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે એક હચમચાવી દેતી ઘટના બની છે. રામોલ ગામના તળાવ પાસે છાપરામાં નિરાંતે સૂઈ રહેલા એક શ્રમિક પરિવાર પર કાળ બનીને એક પૂરઝડપે આવતી કાર ફરી વળી હતી. આ અકસ્માતમાં પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રામોલ ગામમાં તળાવ પાસે રહેતા શ્રમિક મુકેશ ડામોર અને તેમનો પરિવાર રાત્રિ ભોજન બાદ સૂઈ રહ્યો હતો. રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે એક બેફામ ગતિએ આવતી ફોરવીલર કાર સીધી તેમના છાપરામાં ઘૂસી ગઈ હતી. કાર અંદર ઘૂસી જતા મુકેશભાઈ અને તેમનો પરિવાર તેની નીચે ફસાઈ ગયો હતો.

લોકોએ ગાડી ઊંચી કરી પરિવારને બચાવ્યો 

અકસ્માતને પગલે ગભરાયેલા મુકેશભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના છાપરાવાળા અને સ્થાનિક લોકો તુરંત દોડી આવ્યા હતા. એકઠા થયેલા લોકોએ ભારે જહેમત ઉઠાવીને ગાડીને ઊંચી કરી હતી અને નીચે દબાયેલા તમામ સભ્યોને બહાર કાઢ્યા હતા.

આ દુર્ઘટનામાં મુકેશભાઈને જમણા પગે ગંભીર ઈજા થઈ છે, જ્યારે તેમના પત્નીને પેટ અને છાતીના ભાગે માર વાગ્યો છે. આ ઉપરાંત તેમના પુત્ર અને પુત્રીને પણ ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર કબજે કરી ચાલકની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઘટનાના રૂંવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કાર ચાલક બેફામ રીતે ડ્રાઈવિંગ કરી છાપરામાં ઘૂસતો નજરે પડે છે.