Gujarat

અમદાવાદ: નિકાહ પતાવી પરત ફરતા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 19 વર્ષીય યુવકનું મોત

By GS TEAM
8 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રહેતા કેટલાક મિત્રો‌ નિકાહ સમારોહમાંથી પાછા જતી વખતે કાળને ભેટ્યા હોવાની ઘટના સામે આવી છે. વેજલપુર ખાતે મિત્રના નિકાહ પૂરા કરી વહેલી સવારે નાસ્તો કરવા ખેડા તરફ જઈ રહેલા મિત્રોની મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કારને ભયંકર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા 19 વર્ષીય યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ મિત્રોને ગંભીર ઈજાઓ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નિકાહ પતાવી પરત ફરતા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 19 વર્ષીય યુવકનું મોત

Ahmedabad Accident : અમદાવાદમાં રહેતા કેટલાક મિત્રો‌ નિકાહ સમારોહમાંથી પાછા જતી વખતે કાળને ભેટ્યા હોવાની ઘટના સામે આવી છે. વેજલપુર ખાતે મિત્રના નિકાહ પૂરા કરી વહેલી સવારે નાસ્તો કરવા ખેડા તરફ જઈ રહેલા મિત્રોની મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કારને ભયંકર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા 19 વર્ષીય યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ મિત્રોને ગંભીર ઈજાઓ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રવિવારે વહેલી સવારે આશરે 6 વાગ્યાની આસપાસ બની હતી. મિત્રો બે ગાડીઓમાં મુસાફરી કરી રહ્યા હતા, જેમાં સૈયદ મોહમ્મદ જૈન રીયાજુદ્દીન (ઉંમર 19) ડ્રાઇવિંગ કરી રહ્યા હતા તે મારુતિ સ્વિફ્ટ ડીઝાયર આગળ ચાલી રહી હતી. તેમની સાથે ડ્રાઇવર સીટની બાજુમાં સૈયદ મોહમદ આકીબ અને પાછળની સીટમાં અસારી સાતે તકમિલભાઈ તથા ફરિયાદી મહમદનઈમ અહમદમિયા મુસાફરી કરી રહ્યા હતા.


અકસ્માત અસલાલી સર્કલથી આગળ જેતલપુર બ્રીજ એમ.પી. પદયા સ્કૂલ પાસે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સ્વિફ્ટ કારના ચાલક સૈયદ મોહમ્મદ જૈન રીયાજુદ્દીન પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડીનું ટાયર અચાનક ફાટતાં તેમણે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ કાર બાજુના સર્વિસ રોડ સાઈડની રેલીંગ સાથે જોરદાર ટકરાઈ, રેલીંગ તોડીને પલ્ટી ખાઈ ગઈ હતી.

સ્વિફ્ટ ગાડીની પાછળ આવી રહેલી કારમાં હાજર મિત્રો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ચારેય ઘાયલ મિત્રોને કારમાંથી બહાર કાઢ્યા હતા અને  108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં કાર ચલાવનાર સૈયદ મોહમ્મદ જૈન રીયાજુદ્દીન (ઉંમર 19, રહે. શાહીન પાર્ક, વેજલપુર) ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થવાથી તેમને આજે સવારે 7.15 વાગ્યે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

અકસ્માતમાં અન્ય ત્રણ મિત્રોને પણ ઈજાઓ થઈ છે, જેમાં ફરિયાદી મહમદનઈમને છાતી, હાથના પંજા અને કમરના ભાગે, અસારી સાતે તકમિલભાઈને જમણા સાથળની નીચેના ભાગે ફેકચર તેમજ માથાના પાછળના ભાગે ઈજાઓ, અને સૈયદ મોહમદ આકીબને માથાના આગળના ભાગે નાની-મોટી ઈજાઓ થઈ છે.