અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ યુવકે કારના સનરુફમાંથી નીકળી છરી બતાવી, લોકોએ માર્યા પથ્થર
Ahmedabad Crime News: અમદાવાદ શહેરના સાબરમતીના ડી-કેબિન વિસ્તારમાં મોડી રાત્રે એક કાર ચાલકે ગીતાંજલિ ફ્લેટ્સ નજીક અકસ્માત સર્જતાં ભારે ગભરાટ ફેલાયો હતો. અકસ્માત સ્થળે લોકોનું ટોળું ભેગું થતાં કાર ચાલકે સનરૂફ ખોલી, ઊભો થઈ હવામાં છરી બતાવી લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સાબરમતી પોલીસે હથિયારબંધીના ભંગ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયરલ ફૂટેજના આધારે પોલીસે કાર ચાલક, ભાસ્કર વ્યાસ (રહે. હરિઓમ સેક્શન 1, ડી-કેબિન)ને શોધી કાઢ્યો હતો. પૂછપરછમાં તેણે અકસ્માત સર્જ્યો હોવાની અને ટોળાને વિખેરવા માટે છરી બતાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી છરી પણ કબજે કરી છે.
સાબરમતી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, "પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ હથિયાર રાખવા પર પ્રતિબંધ હોવા છતાં આરોપીએ તીક્ષ્ણ છરી બતાવી હતી. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે."
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે અકસ્માતને કારણે ગભરાટ ફેલાયો હતો, અને ડ્રાઇવરે કારની સનરૂફમાંથી છરી બતાવતા લોકોએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો હતો. સાબરમતી પોલીસે પ્રતિબંધિત હથિયાર રાખવા બદલ ગુનો નોંધ્યો છે, પરંતુ અકસ્માત અંગે એલ-ડિવિઝન ટ્રાફિક પોલીસે કોઈ કેસ કેમ નથી કર્યો તે અંગે સવાલો ઉભા થયા છે.
ટ્રાફિક પોલીસના અધિકારી પીઆઈ એસ.એન. પટેલે પુષ્ટિ કરી હતી કે તેમના સ્ટેશનને અકસ્માત અંગે કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી અને સોશિયલ મીડિયા જ માહિતીનો પ્રાથમિક સ્ત્રોત હતો.
પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે કાર પૂરપાટ ઝડપે ચલાવતાં અકસ્માત સર્જાયો હતો. જેથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ અને ભય ફેલાયો હતો. ડ્રાઇવરની છરી બતાવવાની ઘટના વીડિયોમાં કેદ થઈ હતી, જેના આધારે તેની ઓળખ થઈ અને પોલીસે કાર્યવાહી કરી હતી.