અમદાવાદ: ગોમતીપુરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઉપર AAPના કાર્યકરોનો છરીથી હુમલો
- હાલમાં પવન તોમરને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ સરસપુર ખાતે દાખલ કરવામાં આવ્યા છે
અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2022, મંગળવાર
આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદના ગોમતીપુરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પવન કુમાર તોમર ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાહિલ ઠાકોરે છરીથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોમતીપુર પોલીસે હોસ્પિટલ પહોંચીને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
આજ રોજ આમ આદમી પાર્ટીના લુખ્ખા-ગુંડા તત્વો દ્વારા કર્ણાવતી મહાનગરના ગોમતીપુર ખાતે ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પવનભાઈ તોમર પર છરીનો ઘા મારીને જીવલેણ હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેને મહાનગરના પ્રમુખ અમિતભાઈ પી શાહે સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. હાલમાં પવન તોમરને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ સરસપુર ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
ભાજપના પ્રવક્તા ડો. યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. આપના સાહિલ ઠોકોરે ભાજપના પવન તોમર પર છરીથી હુમલો કર્યો છે. ગુજરાત એક શાંત રાજ્ય રહ્યું છે. આ બિલકુલ વ્યાજબી નથી અને આ ગુજરાતની પરંપરા નથી. રાજ્યને બદનામ કરવા માટે આવા લોકો મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતને બદનામ કરવા માટે આવી રાજનીતિ રમાઈ રહી છે.