આંબાવાડીમાં હુમલો-બાપુનગરમાં હત્યા: પોલીસ મારે કે મકાનો તોડે, લુખ્ખાઓને કોઈ ફરક નથી પડતો?
Ahmedabad Anti social elements : અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગઇ છે. રાજ્યભરમાંથી અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી એક્શન લેવામાં આવી રહી છે. ત્યારે દરરોજ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી દરરોજ અસામાજિક તત્ત્વોની ગુંડાગર્દીના વીડિયો સામે આવે છે. અસામાજિક તત્ત્વોએ પોલીસના નાકમાં દમ કરી મૂક્યો છે. મંગળવારે મોડી રાત્રે અમદાવાદના આંબાવાડી સર્કલ પાસે એક યુવક પર 4 શખસો પર લાડકી વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના આંબાવાડી વિસ્તાર રહેતો નિહાર ઠાકોર નામનો યુવક મંગળવારે રાત્રે એક્ટિવા લઇને જઇ રહ્યો હતો. ત્યારે કલ્યાણ જ્વેલર્સ નજીક બે શખસોએ તેને રોકી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ નિહારની એક્ટિવા પર લાકડી મારતાં તે નીચે પડી જતાં સૌરભ દેસાઈ, વિજય દેસાઈ અને ધવલ દેસાઈ તેમજ અન્ય એક શખસે ભેગા મળીને નિહાર ઠાકોરે તૂટી પડ્યા હતા. યુવકને ગડદાપાટુ અને લાકડીઓ વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઇ હતી.
આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો એક સ્થાનિક નાગરિકે રેકોર્ડ કર્યો હતો. જેમાં જોઇ શકાય છે કે નિહાર યેનકેન પ્રકારે ત્યાંથી બચીને નીકળવમાં સફળ રહ્યો હતો. તેને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અંગત અદાવતમાં માર માર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે વીડિયોમાં જે પ્રકારે દ્વશ્યો દેખાઇ રહ્યા છે તેને જોતાં લાગે છે કે અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. પોલીસ રૌફ જમાવતી રીલ્સ બનાવનારાઓને પાઠ ભણાવવામાં વ્યસ્ત છે. પોલીસ શહેરમાં એક જ આસામાજિક તત્ત્વને ડામવા જાય છે ત્યાં તો 100 નવા અસામાજિક તત્ત્વો પેદા થતા હોય એવું લાગે છે. અસામાજિક તત્ત્વો જાણે કાયદો અને વ્યવસ્થા ખિસ્સામાં લઇને ફરતા હોય એવું લાગી રહ્યું છે.
બાપુનગરમાં છરીના ઘા મારતાં યુવકનું મોત, સાળા બનેવી સહિત ત્રણ ઇજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે અમદાવાદના બાપુનગરમાં સાસોયટી પાસે સાળા બનેવી અને મિત્રો સહિત આઠ લોકો બેઠા હતા. ત્યારે સોસાયટીમાં રહેતો યુવક ગાળો બોલતો હતો જેથી ગાળો બોલવાની ના પાડતાં એક જ પરિવારના પાંચ લોકોએ આવીને ચાર યુવકો ઉપર છરી પાઇપ,લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં છરીથી હુમલામાં ગંભીર રીતે ઘાયલ મેઘાણીનગરના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હત્યા તથા હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.