શિવરંજની વિસ્તારની ઘટના: પીજીમાં દારૂ પીને ધમાલ કરતા એક યુવતી અને ચાર યુવકને ઝડપી લેવાયા
અમદાવાદ: શહેરના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા વૈભવ એપાર્ટમેન્ટમાં પીજીમાં રહેતા કેટલાક યુવક યુવતીઓને સેટેલાઇટ પોલીસે દરોડો પાડીને ઝડપી લીધા હતા. એપાર્ટમેન્ટમાં ચાલતા પીજીને કારણે સ્થાનિક લોકો ત્રસ્ત હતા અને ધોળા દિવસે પીજીમાં યુવક યુવતીઓ દ્વારા દારૂની પાર્ટી થતી હોવા અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી.
શિવરંજની ચાર રસ્તા લોકમાન્ય તીલક કોલેજ પાસે આવેલા વૈભવ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ નંબર 1001માં પીજીમાં રહેતા કેટલાંક યુવક-યુવતીઓ બપોરના સમયે દારૂની પાર્ટી કરી રહ્યા અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો હતો. જેના આધારે સેટેલાઇટ પોલીસે સ્થળ પરથી તપાસ કરતા રાજ સાડીવાલા, તુષાર મહેતા, વિરેન્દ્ર સુથાર ,કલ્યાણ ચૌધરી તેમજ હંમાન્ગ ઝોલન નામની યુવતી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક યુવક અને બે યુવતીઓએ દારૂ પીધો નહોતો. પોલીસને સ્થળ પરથી દારૂ ભરેલી બોટલ મળી આવી હતી.આ અંગે સેટેલાઇટ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે એપાર્ટમેન્ટમાં ચાલતા પીજીના કારણે પરેશાની વધી ગઇ છે અને દારૂ પીને ધમાલ કરવાની સાથે ત્યાં રહેતા યુવકો દાદાગીરી પણ કરે છે. જેથી આ અંગે આકરી કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે.