અમદાવાદ પોલીસબેડામાં ફફડાટ, ફરિયાદ ન નોંધનાર 4 પોલીસકર્મી તાત્કાલિક સસ્પેન્ડ
Policemen Suspended in Ahmedabad: અમદાવાદ પોલીસબેડામાં મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવા પહોંચેલા યુવકને હાજર કર્મીએ શિફ્ટ પૂરી થઈ ગઈ હોવાનું કહીને ફરિયાદ નોંધી ન હતી. જેથી ફરિયાદીએ ઝોન-4ના ડીસીપી કાનન દેસાઈને ફોન કરી જાણ કરતાં તેમણે પોલીસે સ્ટેશનની મુલાકાત લઈને 4 પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ઇન્કવાયરી રૂમમાં હાજર પોલીસકર્મીએ શિફ્ટ પૂરી થતાં અરજદારની ફરિયાદ લીધી ન હતી. પોલીસકર્મીની બેદરકારીના લીધે ફરિયાદી યુવક સાથે ફરીથી મારામારીની ઘટના બની હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઝોન-4ના ડીસીપી કાનન દેસાઈએ ઇન્કવાયરી ઇન્ચાર્જ પંકજ કુમાર દશરથ, રાઇટર ચિરાગકુમાર અશોકભાઈ, PSO અમિતકુમાર વિજયભાઈ અને રાઇટર કિંજલબેન વિઠ્ઠલભાઈને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.