Gujarat ATS: ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવાયા ત્રણ આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં હૈદરાબાદમાં રહેતો આતંકી અહેમદ સૈયદ દોઢ મહિના પહેલા પણ અમદાવાદ આવ્યો હતો અને કલોલ પાસેથી રોકડ ભરેલું પાર્સલ લઈને પરત ગયો હતો. આ સાથે તેણે અમદાવાદમાં નરોડા ફ્રૂટ માર્કેટ અને લાલ દરવાજા વિસ્તારમાં રેકી કરી હતી. તેમજ પાકિસ્તાનથી મળતી સૂચના મુજબ આતંકીઓએ દિલ્હીના આઝાદ મેદાન અને લખનઉ સ્થિત આરએસએસના મુખ્ય કાર્યાલયની પણ રેકી કરી હતી.
આરએસએસનું હેડ ક્વાર્ટર પણ નિશાના પર હતું
ગુજરાત એટીએસના સ્ટાફે કલોલના શેરથા પાસેથી ચાર દિવસ પહેલા ડૉ. અહેમદ સૈયદ નામના એક આતંકીને હથિયાર સાથે ઝડપી લીધા બાદ આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ સલીમ ખાન નામના આતંકીની ધરપકડ કરી હતી. એટીએસના અધિકારીઓએ અહેમદ સૈયદ પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા હતા. જે પાકિસ્તાન સરહદથી ડ્રોન મારફતે ભારતમાં મોકલાયા હતા. આ ઉપરાંત, એક સાથે ચાર લિટર કેસ્ટર ઓઇલ મળી આવ્યું હોવાથી સઘન પૂછપરછમાં તેણે ચોંકાનવારો ખુલાસો કર્યો હતો કે તે સાઇનાઇટ કરતાં પણ વધુ ખતરનાક રાઇઝીન નામનું ઝેરી કેમિકલ તૈયાર કરતો હતો. જેનો ઉપયોગ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે કરવાના હતા. રાઇઝીન નામનું ઝેર ખાવામાં તેમજ હવામાં ભેળવી દેવામાં આવે તો પણ ગણતરીની મિનિટોમાં જ અનેક લોકોના જીવ લઈ શકાય તેમ હતું.
એટીએસના અધિકારીઓએ ઇસ્લામીક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ સાથે સકંળાયેલા ડૉ. અહેમદ સૈયદની સઘન પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે દોઢ મહિના પહેલા તે અમદાવાદ આવ્યો હતો અને તે કલોલ પાસેથી રોકડ ભરેલું પાર્સલ લઇને પરત ગયો હતો. આ નાણાં રાઇઝીન નામનું ઝેર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેણે વધારાના ફંડની પણ માંગણી કરી હતી. અમદાવાદમાં તે લાલ દરવાજા સ્થિત એક હોટલમાં રહ્યો હતો અને નરોડા ફ્રૂટ માર્કેટની રેકી કરી હતી. એટીએસના અધિકારીઓએ લાલ દરવાજા સ્થિત હોટલના માલિકની પૂછપરછ કરવાની સાથે સીસીટીવી એકત્ર કરવાની કાર્યવાહી શરુ કરી છે. તેમજ નરોડા ફ્રૂટ માર્કેટના સીસીટીવી અંગે કડી મેળવવામાં આવી રહી છે.
ત્રણેય આતંકીઓએ આ ઉપરાંત દિલ્હીના આઝાદ મેદાન અને લખનઉમાં આવેલા આરએસએસના હેડ ક્વાટર્સની રેકી કરી હોવાની વિગતો સામે આવી છે. જેથી ગુજરાત એટીએસ દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરીને સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરશે.
અહેમદ સૈયદના 10 દિવસના રિમાન્ડ અને અન્ય બે આતંકીના સાત દિવસના રિમાન્ડ મેળવાયા
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ આતંકીઓ દ્વારા ઝેર તૈયાર કરીને મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનું કાવતરું સામે આવ્યું છે. ત્યારે આ કેસમાં એટીએસ દ્વારા કુલ 10 અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરુ કરવામાં આવી છે. જેમાં હૈદરાબાદમાં રહેતા ડૉ. અહેમદ સૈયદના 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જ્યારે આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ સલીમખાનને સોમવારે ગાંધીનગર ખાતે સ્પેશીયલ કોર્ટના જજ સમક્ષ રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.


