આણંદ જિલ્લામાં એક જ દિવસમાં 5000 ખેડૂતોની કૃષિ સહાયની અરજીઓ મંજૂર

- ખેતીવાડી વિભાગે નુકસાની સહાયની અરજીઓની કામગીરીમાં ઝડપ કરી
- 4123 ખેડૂતોને અંદાજે રૂ. 12.42 કરોડની રકમ ખાતામાં ચૂકવી દીધી હોવાનો દાવો, અરજી કરવાનો કાલે અંતિમ દિવસ
આણંદ : આણંદ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં થયેલા ભારે વરસાદે તારાજી સર્જી હતી અને ચોમાસુ પાકનું સંપૂર્ણ ધોવાણ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે ગત રોજ સુધી જિલ્લામાં ખેડૂતોની ૬૮,૦૦૦ અરજીમાંથી માત્ર ૩૦,૦૦૦ અરજી મંજૂર કરાઈ હતી અને માત્ર ૯,૦૭૧ ખેડૂતોને જ રૂ. ૧૪.૭૦ કરોડની સહાય ચૂકવાઈ હતી. ત્યારે કૃષિ વિભાગે માત્ર ૨૪ કલાકમાં જ વધુ ૫૦૦૦ ખેડૂતોની અરજીઓ મંજૂર કરી હોવાની જાહેરાત કરી છે અને એક જ દિવસમાં ૪૧૨૩ ખેડૂતોને ૧૨.૪૨ કરોડની રકમ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે જિલ્લાભરના ખેડૂતોની કમર તુટી જવા પામી હતી. ડાંગર, તમાકુ, કેળ, સહિત શાકભાજીના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે ગત રોજ સુધી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માત્ર ૯૦૭૧ ખેડૂતોને ૧૪.૭૦ કરોડની સહાય ચૂકવવી હોવાની માહિતી આપવામાં આવી હતી. જે બાદ બુધવારે ખેતીવાડી વિભાગ દ્વારા એકાએક માત્ર આઠ કલાકમાં ૫,૦૦૦ જેટલી ખેડૂતોની અરજીઓ મંજૂર કરી દેવામાં આવી હતી અને ૪૧૨૩ જેટલા ખેડૂતોને ખેતી નુકસાનીની અંદાજે રૂ. ૧૨.૪૨ કરોડની રકમ ખાતામાં ચૂકવી દીધી હોવાનો ખેતીવાડી વિભાગે દાવો પણ કર્યોે છે.
આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ, આજે વધુ ૧૦૦૦ ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરતા અત્યાર સુધીમાં કુલ ૬૯,૦૦૦ અરજી મળી છે, તે પૈકી અરજીની જરૂરી ચકાસણી કરી આજ દિન સુધીમાં સુધી ૩૫,૦૦૦ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજુર કરવામાં આવેલી અરજીઓ પૈકી ૧૯૧૯૪ ખેડૂતોને રૂપિયા ૨૭.૧૨ કરોડની ઓનલાઈન ચુકવણૂં પણ પૂર્ણ કરવામાં આવેલ છે. ખેડૂતો પાક સહાય મેળવવા માટે ૦૫ મી ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે.

