ડાકોરમાં મોખા તળાવના બ્યૂટિફિકેશનના કામમાં એજન્સીની વીજ ચોરી ઝડપાઈ

- પાલિકાએ 4 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો
- કપડવંજની સુરેશ પટેલ એજન્સી વિરૂદ્ધ એમજીવીસીએલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાશે
યાત્રાધામ ડાકોરમાં સરકાર દ્વારા દોઢ વર્ષથી ડાકોર નગરપાલિકા હસ્તક મોખા તળાવ પર આશરે ચાર કરોડના ખર્ચે તળાવ બ્યૂટિફિકેશન, વૉકવે, ગાર્ડન, ચિલ્ડ્રનપાર્ક બનાવવા આવી રહ્યો છે. આ કામનો ૪ કરોડનો કોન્ટ્રાક્ટ કપડવંજની સુરેશ પટેલ નામની એજન્સીને મળ્યો ત્યારથી જ મટિરિયલ બાબતે ફરિયાદો ઉઠી હતી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. ત્યારે તળાવ બ્યૂટિફિકેશનના કામમાં દોઢ વર્ષથી વીજ ચોરી થતી હોવાની ફરિયાદના પગલે એમજીવીસીએલના ઈજનેરની ટીમ દ્વારા સ્થળ પર રેડ કરાઈ હતી. ત્યારે એજન્સી દ્વારા ડાયરેક્ટ વીજ લાઈનમાંથી તાણિયા લબડાવી વીજ ચોરી કરાતી હોવાનું જણાઈ આવ્યું હતું. ગેરકાયદે લબડાવેલા વાયરો ઉતારી ટીમ એમજીવીસીએલ મથકે પહોંચી હતી. એમજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર યોગેશભાઈ ખોલીયાએ જણાવ્યું હતું કે, જે વીજ ચોરી કપડવંજની સુરેશ પટેલ એજન્સી દ્વાર કરવામાં આવી છે, તે બિલ હજુ નક્કી કરાયું નથી. બિલની અંદાજીત રકમ ગણાઈ રહી છે. જે રકમ આવશે તે રકમની એજન્સી વિરૂદ્ધ સીઆરપીસીની કલમ-૧૩૫ મુજબ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. એજન્સી દ્વારા જે સપ્લાય લેવાયો હતો તેના કેબલો અને સમયગાળા ઉપર દંડ નક્કી કરવામાં આવશે. એજન્સી દ્વારા આજ દિન સુધી કોઈ હંગામી કનેક્શન માંગવામાં આવ્યું નથી. આ બાબતે એજન્સીના પેટા કોન્ટ્રાક્ટર નિલેશભાઈ પટેલે જવાબ આપવાનું ટાળ્યું હતું.








