Gujarat

યાત્રાધામ પાલિતાણામાં સફાઈ કામમાં એજન્સીની આળસ, ગંદકીનું સામ્રાજ્ય

By GS TEAM
6 Oct 20251 min read
યાત્રાધામ પાલિતાણામાં સફાઈ કામમાં એજન્સીની આળસ, ગંદકીનું સામ્રાજ્ય

- પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને ન.પા.ના ઉપપ્રમુખે જ ફરિયાદ કરી

- મુખ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના અભાવે મચ્છરનો ઉપદ્રવ વધવાની દહેશત

પાલિતાણા : જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણા શહેરમાં સફાઈ કામગીરી કરવામાં એજન્સી આળસ કરી રહી હોવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના અભાવે મચ્છરનો ઉપદ્રવ વધવાની દહેશત વ્યક્ત કરાઈ છે.

પાલિતાણાના મુખ્ય માર્ગો, મુખ્ય બજાર, પર્યટક સ્થળ તળેટી વિસ્તારમાં અગાઉ દૈનિક ધોરણે સફાઈ થતી હતી. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિમાયેલી એજન્સી દ્વારા સફાઈ કામગીરી બંધ કરી દેવામાં આવતા માર્ગો પર ગંદકી જોવા મળે છે. પાલિતાણા જૈનોનું પવિત્ર યાત્રાધામ હોય, અહીં દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવે છે. તેવામાં મુખ્ય વિસ્તારોમાં જ ગંદકી હોય, પર્યટકોના માનસપટ પર ખરાબ છાપ ઉપશે. આ બાબતે પાલિતાણા નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખે જ ફરિયાદ સાથે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે નિયમિત સફાઈ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.