Get The App

દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ 1 - image


શિક્ષકો રણમાં જતા ગામની શાળાના બાળકા અભ્યાસ પર અસર

ધો.૧થી ૮ના બાળકોને એક જ શિક્ષક ભણાવતા ગુણવત્તાયુક્ત શિક્ષણ નહીં મળતું હોવાનો આક્ષેપ

પાટડી - દસાડા તાલુકામાં કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ હાલમાં કાર્યરત રણ બસ શાળાઓ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. અગરિયાઓના બાળકોના શિક્ષણ પર અસર ન પડે તે હેતુથી રણમાં જૂની બસોને મોડિફાઈ કરીને ૧૮ જેટલી રણ બસ શાળાઓ શરૃ કરવામાં આવી છે. જોકે, આ વ્યવસ્થા ગામના અન્ય બાળકોના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે.

 

ઝીંઝુવાડા અને ખારાઘોડા સહિતના નજીકના ગામોની શાળાઓના શિક્ષકોને રણમાં શિક્ષણ આપવા મોકલવામાં આવે છે, જેના કારણે ગામની મુખ્ય શાળાઓના બાળકો શિક્ષણથી વંચિત રહે છે. ખારાઘોડામાં જ અંદાજે ૮૦૦થી વધુ બાળકોના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. શિક્ષકોને પણ રણમાં અવરજવર દરમિયાન અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.

 

રણ બસ શાળા માત્ર પતરાનો ડબ્બા બની ગયો

અગરિયાઓના મતે, આ રણ બસ શાળાઓ માત્ર પતરાના ડબ્બા જેવી બની ગઈ છે, જ્યાં ધોરણ ૧ થી ૮ના તમામ બાળકોને એક જ શિક્ષક ભણાવે છે, જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું નથી. અગરિયાઓ તેમના બાળકોને મજૂરી કરાવવા માંગતા ન હોવાથી તેઓ શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા ઈચ્છી રહ્યા છે.

 

ખારાઘોડામાં હોસ્ટેલમાં સંખ્યા વધારવા માંગ

તેમની માંગ છે કે, રણ બસ શાળાઓ બંધ કરીને વાહનો દ્વારા અગરિયા બાળકોને ગામમાં લાવીને શિક્ષણ પૂરું પાડવામાં આવે. આ ઉપરાંત, ખારાઘોડામાં અગરિયા બાળકો માટેની હોસ્ટેલમાં માત્ર ૫૦ બાળકોની ક્ષમતા છે, જેને વધારવામાં આવે તો પણ સમસ્યા હળવી થઈ શકે છે. અગરિયાઓએ સરકારને બાળકોના હિતને ધ્યાનમાં રાખીને ઝડપી અને યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી છે.

Tags :