Gujarat

આફતનો આફ્ટર શોક : અનેક ગામ જળમગ્ન, 58 વ્યક્તિનું રેસ્ક્યુ, મકાનો ધરાશાયી થવાનો સિલસિલો

By GS TEAM
19 Jun 20253 mins read
આફતનો આફ્ટર શોક : અનેક ગામ જળમગ્ન, 58 વ્યક્તિનું રેસ્ક્યુ, મકાનો ધરાશાયી થવાનો સિલસિલો

- એલર્ટ વચ્ચે ભાવનગર જિલ્લાના નવ તાલુકામાં મેઘરાજાએ વિરામ લીધો

- કમળેજ 10 નાળા પાસે ફસાયેલાં પશુપાલકો, અગરિયાને ફાયર બોટથી હેમખેમ બહાર કઢાયાઃ જિલ્લામાં એકમાત્ર જેસરમાં 7 મિ.મી.વરસાદ

ભાવનગર : ભાવનગર જિલ્લામાં મેઘરાજાની બે દિવસની અતિશ્યોક્તિ બાદ આફતના આફ્ટર શોકે જનજીવનને થાળે પડવા દીધું નથી. જિલ્લાના અનેક ગામો હજુ પણ જળમગ્ન છે. તો વરસાદના પાણીએ લોકોના જીવ ઉપર પણ જોખમ ઉભા કર્યા હોય, લાચાર બનેલી ૫૮ માનવ જિંદગીને રેસ્ક્યુ ટીમે બચાવી લીધી છે. ભારે વરસાદની ઝપેટમાં મૂંગા જીવો પણ ફસાતા ૪૦૦ ગૌવંશને બચાવી સુરક્ષિત સ્થાનોએ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ વરસાદથી વધુ ખોખલા થયેલા મકાનો-દિવાલો ધરાશાયી થવાનો પણ સિલસિલો ત્રીજા દિવસે જારી રહ્યો હતો.

ભાવનગર જિલ્લામાં ગત મંગળવાર સાંજથી જ વરસાદનું જોર નબળું પડયું હતું. જો કે, રાજ્યના હવામાન વિભાગે આજે  જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું હતું. તેના કારણે સમગ્ર જિલ્લામાં આખો દિવસ દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ નવ તાલુકામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. એક માત્ર જેસરમાં સાંજે ૪થી ૬ વચ્ચે સાત મિ.મી. પાણી વરસ્યું હતું. વરસાદના વિરામ વચ્ચે પણ બે દિવસના અતિભારે વરસાદનો આફ્ટર શોક જૈસે થે... સ્થિતિમાં જોવા મળ્યો હતો. ભાલ પંથક અને જિલ્લાના અન્ય તાલુકાના ઘણાં ગામો બેટમાં ફેરવાયા હોય તેમ જળમગ્ન રહેતા લોકોનું જનજીવન થંભી ગયું હતું. તો બીજી તરફ કમળેજ ગામ પાસે ૧૦ નાળાથી ૨ કિ.મી. સુધી નદી વિસ્તારમાં પશુપાલકો અને અગરિયા ફસાયા હોવાની જાણ ડીપીઓએ કરતા ભાવનગર ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ફાયર બોટ એન્જિન સાથે પહોંચી હતી અને જીવના જોખમે અસરગ્રસ્તો સુધી પહોંચી ૩૯ પુરૂષ, ૧૦ સ્ત્રી અને ૯ બાળકો મળી ૫૮ વ્યક્તિને બચાવી લીધા હતા. ઉપરાંત,ભાલના પાળિયાદ, દેવળિયા ગામમાં પાણી ભરાતા લોકોએ જાત મહેનત જીંદાબાદના સૂત્રને સાર્થક કરી જેસીબીથી પાણી નિકાલની કામગીરી હતી. તો, સનેસ ગામે નાળા અને પાઈપની સફાઈ તેમજ દેવળિયા ગામે લાઈટ રિપેરીંગ કરી વીજ પ્રવાહ પૂર્વવત કર્યો હતો.

સમગ્ર જિલ્લામાં અવિરત અને અઢળક મેઘમહેર થયા બાદ અતિવૃષ્ટિના વાદળો ઘેરાવા લાગતા લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા કરેલી આજીજી કુદરતે સાંભળી હોય તેમ વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. હવે વરાપ નીકળે તેવી ખેડૂતો, સામાન્ય જનતા ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

ભાલના ગામોમાં જાત મહેનત જીંદાબાદ, સ્થાનિકોએ જેસીબીથી લાઈટ રિપેર કરી પાણીનો નિકાલ કર્યો : ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન હજુ પણ અસરગ્રસ્ત

વાદળિયા વાતાવરણ વચ્ચે શહેરમાં સાડા 3 ડિગ્રી તાપમાન ઉંચકાયું

ભાવનગરમાં આજે આખો દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો. તેમ છતાં તાપમાનમાં વધારો નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં શહેરનું મહત્તમ તાપમાન સાડા ત્રણ ડિગ્રી વધીને ૩૨.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૧.૨ વધીને ૨૬.૪ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮૯ ટકા અને દિવસે ૭૪ ટકા તેમજ પવનની ઝડપ ૨૦ કિ.મી. પ્રતિકલાકની રહી હતી.