Get The App

વડોદરા ડીઈઓ કચેરીએ દંડ ફટકાર્યા બાદ હવે એફઆરસીએ વિબગ્યોર સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારી

Updated: Mar 12th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા ડીઈઓ કચેરીએ દંડ ફટકાર્યા બાદ હવે એફઆરસીએ વિબગ્યોર સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારી 1 - image


Vadodara : વડોદરા શહેરની વિબગ્યોર સ્કૂલને ડીઈઓ કચેરીએ 30000 રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ હવે વડોદરા ઝોન એફઆરસી (ફી રેગ્યુલેશન કમિટી)એ શો કોઝ નોટિસ ફટકારીને સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

એફઆરસીના સભ્યોએ જણાવ્યું હતું કે, વિબગ્યોર સ્કૂલે એફઆરસીએ નક્કી કરેલી ફી લેવાના આદેશનું પાલન કર્યું નથી. સ્કૂલ દ્વારા વાલીઓને એફઆરસીની ફીને લગતી જાણકારી આપવામાં આવતી નથી. સ્કૂલના નોટિસ બોર્ડ પર પણ એફઆરસીએ નક્કી કરેલી ફી દર્શાવી નથી. ઉપરાંત વાલીઓ પાસે નવા શૈક્ષણિક વર્ષના બે ક્વાર્ટરની ફી એડવાન્સમાં માગવામાં આવી રહી છે. જે પણ નિયમનું ઉલ્લંઘન છે.

સભ્યોએ કહ્યું હતું કે, વાલીઓએ કરેલી ફરિયાદ બાદ ડીઈઓ કચેરીના અધિકારીઓની ટીમ તપાસ માટે ગઈ ત્યારે પણ સ્કૂલ સંચાલકોએ જરૂરી દસ્તાવેજો તાત્કાલીક પૂરા પાડવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, અમે આ દસ્તાવેજો ભેગા કરીને મોકલી આપીશું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સ્કૂલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે અને સ્કૂલ સામે કાર્યવાહી કેમ નહીં કરવી તેનો જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો સ્કૂલ સાત દિવસમાં જવાબ નહીં આપે તો તેની સામે એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવશે.

 ફી કમિટિના સભ્યોનું કહેવું છે કે, 2024-25માં સીબીએસઈ માટે સ્કૂલ દ્વારા ધો.1 થી 12 માટે 1.58 લાખથી માંડીને 2.14 લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી. જેની સામે એફઆરસીએ 85000 રૂપિયાથી લઈને 1.01 લાખ રૂપિયા ફી નક્કી કરી હતી. જેની સામે વાલીઓ વિરોધ કરી રહ્યા હતા અને તાજેતરમાં તેમણે ડીઈઓ કચેરીમાં સ્કૂલ સંચાલકો મનમાની કરી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી.

Tags :