બે દાયકાના સમય પછી AMC મૂળના ત્રણ નાયબ કમિશનરની પ્રોબેશન ઉપર નિમણૂંક
મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા પરાગ શાહ ઉપરાંત રમ્ય ભટ્ટ,નિલેષ પટેલની પસંદગી
અમદાવાદ,સોમવાર,18 ઓગસ્ટ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે દાયકાના સમય પછી મૂળ
કોર્પોરેશનના કહી શકાય એવા ત્રણ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે એક વર્ષના પ્રોબેશન
ઉપર નિમણૂંક આપવામાં આવી છે. હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા પરાગ શાહ
ઉપરાંત રમ્યકુમાર ભટ્ટ તથા નિલેષ પટેલની સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા પસંદગી કરાઈ
છે.
કોર્પોરેશનમાં ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક
કરવા પરીક્ષા લેવાઈ હતી. ત્રણ પૈકી બે જગ્યા ખાતાકીય તથા એક જગ્યા બહારના
ઉમેદવારથી ભરવાની હતી.પરાગ શાહ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી
તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મધ્યઝોનના ઈન્ચાર્જ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા રમ્યકુમાર ભટ્ટને ખાતાકીય ઉમેદવાર
તરીકે નિમણૂંક અપાઈ હતી.કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ
બજાવતા નિલેષ પટેલને બહારના ઉમેદવાર તરીકે
એક વર્ષના પ્રોબેશન પરીયડ ઉપર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપવામા
આવી છે.તેજસ ભંડારી અને મિલન શાહના નામ પ્રતિક્ષાયાદીમાં મુકવામા આવ્યા છે.ત્રણ
નાયબ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક કરવામા આવતા કોર્પોરેશનમાં રાજય સરકારમાંથી
આવેલા સાત સનદી અધિકારીઓ અને કોર્પોરેશન મૂળના ચાર અધિકારીઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવશે.