ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંક્યા પછી બીજી પણ ઘટનાને અંજામ આપવાની તૈયારી હતી
ગુનામાં પકડાયેલા બે ભાઇઓ ત્રણ દિવસના રિમાન્ડ પર : મુખ્ય આરોપી જુનેદ સિન્ધી હજી ફરાર
વડોદરા,પાણીગેટ માંડવી રોડ પર ગણેશજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનામાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન એવી વિગત પ્રકાશમાં આવી છે કે, આરોપીઓ આ ઘટના પછી અન્ય પણ કોઇ ગુનાઇત ઘટનાને અંજામ આપવાના હતા. જેની વિગત મુખ્ય સૂત્રધાર પકડાયા પછી ખબર પડશે. હાલમાં પોલીસ મુખ્ય સૂત્રધાર જુનેદ સિન્ધીને પકડવા માટે દોડધામ કરી રહી છે.
સોમવારની મોડીરાતે પાણીગેટ માંડવી રોડ પરથી પસાર થતા માંજલપુર નિર્મળ પાર્ક યુવક મંડળના ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગઇકાલે વધુ બે આરોપીઓ (૧) જુનેદ ઉર્ફે મોટો મગર હનિફભાઇ મલેક તથા (૨) જાવેદ ઉર્ફે નાનો મગર હનિફભાઇ મલેક ( બંને રહે. ખાનગાહ મહોલ્લો, વાડી) ની ધરપકડ કરી હતી. બંને સગા ભાઇઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, હાલના આરોપીઓ પણ માફિયા ગેંગના સોશિયલ મીડિયા ગુ્રપના સભ્યો છે અને કાવતરામાં સામેલ છે. તપાસમાં સહકાર આપતા નથી. માફિયા ગેંગના એડમિન અને ગુનાના મુખ્ય સૂત્રધાર જુનેદ સિન્ધીને પકડવાનો બાકી છે. આ ઘટના પાછળ મુખ્ય દોરી સંચાર કોનો છે ? તેની તપાસ કરવાની છે. વધુમાં આરોપીઓ અન્ય કોઇ ઘટનાને પણ અંજામ આપવાના હતા. તે અંગે તપાસ કરવાની છે. આરોપી જુનેદ મલેક ઉર્ફે મોટો મગર ચાર વર્ષ અગાઉ રાયોટિંગના ગુનામાં પકડાયેલો છે. અદાલતે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઇંડા ફેંકવાના ગુનામાં વધુ ચાર આરોપીઓના નામ ખૂલ્યા
વડોદરા,
પોલીસની તપાસ દરમિયાન ચાર આરોપીઓ ઝડપાઇ ગયા છે.પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય ચાર આરોપીઓની સંડોવણી બહાર આવી છે. જેમાં (૧) સમીર શેખ (૨) સલમાન મનસુરી (૩) અનસ કુરેશી અને (૪) જુનેદ સિન્ધીનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓ ઘર છોડીને ફરાર થઇ ગયા છે. તેઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ - અલગ ટીમો બનાવી છે.
શાહનવાઝને અજ્જુ કાણીયાનું સ્થાન લેવાની ઇચ્છા હોવાની ચર્ચા
વડોદરા,
વડોદરાના માથાભારે અજ્જુ કાણીયાની સામે ખંડણી સહિતના લગભગ ૩૧ ગુનાઓ નોંધાયા હતા. વડોદરા સેન્ટ્રલ જેલમાં ઓક્ટોબર - ૨૦૨૦ માં જેલના કેદી સુનિલ પરમાર અને અજ્જુ કાણીયા વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારબાદ અજ્જુ કાણીયાની હત્યા થઇ હતી. હાલમાં શ્રીજીની મૂર્તિ પર થયેલા હુમલામાં પકડાયેલા આરોપી શાહનવાઝને અજ્જુ કાણીયાની જગ્યા લેવાની ઇચ્છા હોવાની ચર્ચા વિસ્તારમાં થઇ રહી છે. જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.