વર્ષ-૨૦૧૮ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ૧૭૦૦ કરોડથી વધુના રોડ રીસરફેસના કામ આપ્યાં

અમદાવાદ,સોમવાર,25
ઓગસ્ટ,2025
વર્ષ-૨૦૧૮ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં રુપિયા
૧૭૦૦ કરોડથી વધુના રોડ રીસરફેસ તથા નવા બનાવવાના કામ મંજૂર કર્યા છે.૨૦થી ૩૪ ટકા
વધુ ભાવથી રોડ રીસરફેસ કરવા,નવા
બનાવવાના કામ વાર્ષિક ટેન્ડરના નામે આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ સહીતના કોન્ટ્રાકટરોને
લહાણી કરાઈ હતી.ઉત્તર ઝોનમાં સિમેન્ટના રોડ બનાવવા અંદાજિત ભાવથી ૨૭.૫૧ ટકા વધુ
ભાવથી રુપિયા ૬૩.૭૫ કરોડનુ કામ રોડ કમિટીએ કોન્ટ્રાકટર વિજય ઈન્ફ્રા પ્રોજેકટસને
આપ્યુ છે.
રુપિયા ૬૬૧.૨૫ કરોડનો રોડ રીસરફેસનો કોન્ટ્રાકટ ૩૪ ટકા વધુ
ભાવથી ૯ જુને કોર્પોરેશને આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટને આપ્યો હતો. આ જ કંપનીને
વર્ષ-૨૦૨૦માં રુપિયા ૫૩૬ કરોડ અને વર્ષ-૨૦૨૩માં રુપિયા ૬૪૧ કરોડનો કોન્ટ્રાકટ
આપવામાં આવ્યો હતો.વર્ષ-૨૦૧૭માં રુપિયા ૪૫૦ કરોડના રોડ ચોમાસામાં ધોવાઈ જતા
કોર્પોરેશન દ્વારા વિજિલન્સ તપાસ કરાવાઈ હતી.તપાસના અંતે સાત એડીશનલ સિટી ઈજનેર
ઉપરાંત અન્ય ઈજનેરો સામે કાર્યવાહી કરી
શોકોઝ નોટિસ અપાઈ હતી.બોગસ બિલ પ્રકરણમાં ત્રણ કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરાયા
હતા.આ પૈકી બે કોન્ટ્રાકટર સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી.જે પછી વર્ષ-૨૦૧૮થી રોડ
એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા રોડ રીસરફેસ ની કામગીરી માટે ૨૦થી ૩૪ ટકા વધુ ભાવથી
કામગીરી આપવાની શરુઆત કરાઈ હતી.
૬૦૦ કરોડના રોડના કામ વાર્ષિક ટેન્ડરથી અપાયા
કોર્પોરેશન દ્વારા રોડ રીસરફેસ કે નવા બનાવવાની કામગીરી
માટે બે પ્રકારે ટેન્ડર કરાય છે.૬૦ ફુટ કે તેથી વધુની પહોળાઈ ધરાવતા રોડ માટે રુપિયા
૫૦૦થી ૬૦૦ કરોડનું કામ વાર્ષિક ટેન્ડર કરી એક જ કંપનીને અપાય છે.આ માટે સત્તાધીશો
દલીલ કરે છે કે, રોડ તૂટે
કે ખાડા પડે તો ફરી એ કોન્ટ્રાકટર રીપેર કરી આપે છે.૬૦ ફૂટ કે તેથી ઓછી પહોળાઈ
ધરાવતા રોડ રીસરફેસ કરવાની કામગીરી અલગ અલગ કોન્ટ્રાકટરોને આપવામાં આવે છે.આ માટે
૨૫થી ૩૪ ટકા વધુ ભાવથી ટેન્ડર કરી કામ અપાય છે.૬૦ ફુટ કે તેથી વધુની પહોળાઈના રોડ
માટે પાંચ વર્ષનો ડીફેકટ લાયાબીલીટી પિરીયડ રાખવામાં આવે છે.૬૦ ફુટથી ઓછી પહોળાઈના
રોડ માટે ત્રણ વર્ષનો ડીફેકટ લાયાબીલીટી પિરીયડ રાખવામાં આવે છે.આર.સી.સી.તથા
આઈકોનિક રોડની કામગીરી પણ અંદાજથી વધુ ૨૫થી ૩૦ ટકા ભાવથી આપવામાં આવે છે.
કયા વર્ષમાં કેટલો ખર્ચ કરાયો
વર્ષ અંદાજ(કરોડ)
૨૦૧૮-૧૯ ૫૩૪.૦૦
૨૦૨૦-૨૧ ૫૩૬.૦૩
૨૦૨૨-૨૩ ૬૪૧.૦૦









