સાસણ સિંહસદનની નકલી વેબસાઈટ બનાવી : વલસાડના પ્રવાસીએ સિંહ સદન આવીને તેને મળેલી રસીદ બતાવતાં વનવિભાગને જાણ થઈ : 3 અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ
જૂનાગઢ, : સાસણમાં આવતા પ્રવાસીઓ સાથે અગાઉ ઓનલાઈન સફારી પરમિટના નામે છેતરપિંડી થઈ હતી ત્યાં હવે સાસણ સિંહ સદનના રૂમના ઓનલાઈન બુકીંગના નામે થતું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં બોગસ વેબસાઇટ પરથી સિંહસદનના રૂમ બુક કરી પ્રવાસીઓ પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા તેમજ પ્રવાસીઓને અજાણ્યા શખ્સે સિંહસદનના ગેસ્ટ હાઉસના કર્મચારી હોવાની ઓળખ આપી હતી. એક પ્રવાસીએ અહીં આવીને રૂમ બુકીંગ થયાની રસીદ બતાવતા વનવિભાગને જાણ થઈ હતી અને આ મામલે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે.
સાસણમાં આવેલા સિંહસદન ખાતે ફરજ બજાવતા આર.એફ.ઓ. યશ ભરતકુમાર ઉમરાણીયા પાંચેક દિવસ પહેલા ફરજ પર હતા ત્યારે વલસાડ જિલ્લાના ટૂકવાડા ગામના જતીનભાઈ ધીરજભાઈ શેઠ સિંહ સદનના રિસેપ્શન પર આવ્યા હતા અને તેમણે ગેસ્ટ હાઉસ રૂમની અસલી જેવી લાગતી રૂમ બુકીંગની નકલી રસીદ રજૂ કરી હતી. આર.એફ.ઓ.એ પ્રવાસીને 'સિંહ સદનના રૂમનું ઓનલાઇન બુકીંગ થતું નથી, તમારી સાથે ફ્રોડ થયું છે' એમ જણાવ્યું હતું. બુકીંગ કઈ રીતે કરાવ્યું એ બાબતે પ્રવાસીની પૂછપરછ કરતા તેણે સિંહસદન ડોટ કોમ વેબસાઈટ પર કરાવ્યું હોવાનું અને તેના નંબર પર ફોન કરતા અજાણ્યા શખ્સે પોતે સિંહસદન ગેસ્ટ હાઉસના કર્મચારી તરીકે ઓળખ આપી હોવાનું કહ્યું હતું. આથી વિશ્વાસમાં આવી જઈ જતીનભાઈએ તેમાં 11900 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, બાદમાં તેને રસીદ મળી હતી.
આ મામલે આર.એફ.ઓ. યશકુમાર ઉમરાણીયાએ સિંહ સદનની નકલી વેબસાઇટ બનાવનાર અજાણ્યા શખ્સો તેમજ પૈસા મેળવનાર શખ્સો સામે ફરિયાદ કરતા મેંરદડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાસણમાં સફારી પરમિટ બુકીંગના નામે પણ છેતરપિંડી થઈ હતી તેના આરોપીઓ હજુ પકડાયા છે ત્યાં સિંહસદનના રૂમ બુકીંગ કરવાના નામે કૌભાંડ સામે આવ્યું છે.
પોલ ખૂલી ગયાની ગંધ આવી જતાં સંકેલાના સંકેત
વન તંત્રએ ખરાઈ માટે બોગસ વેબસાઈટ પરથી રૂમ બૂકિંગનો પ્રયાસ કરાવી જોયો એની અને પ્રવાસીઓને ખંખેરવાનું છળ ઉઘાડું પડી જાય એમ છે તેની કૌભાંડકારોને ગંધ આવી ગયાની આશંકા છે, કેમ કે આજે બપોરથી એ વેબસાઈટ પર આવી કોઈ હોટલમાં જે- તે તારીખે કોઈ રૂમ ઉપલબ્ધ નથી એવું દર્શાવા લાગ્યું છે


